- વડાપ્રધાનની જળ સમૃદ્ધિ સંકલ્પના: સી. આર. પાટીલની અધ્યક્ષતામાં કલ્પસર માટે નેધરલેન્ડ્સ સાથે મહત્વપૂર્ણ કરાર
નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર, 2026: MoU for Kalpasar Project કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલજીની ગરિમામય અધ્યક્ષતામાં આ ઐતિહાસિક પરિયોજના સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર નેધરલેન્ડ્સ સાથે વિધિવત હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર અંતર્ગત કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલય, ગુજરાત સરકાર અને નેધરલેન્ડ્સની વિશ્વવિખ્યાત વિશેષજ્ઞ સંસ્થાઓ સંયુક્ત રીતે આ પ્રોજેક્ટના ટેકનિકલ વિષયો, સર્વેક્ષણ અને નિર્માણ કાર્યો પર આગળ વધશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના દુરંદેશી નેતૃત્વ હેઠળ અને માનનીય કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશભરમાં જળ વ્યવસ્થાપન અને જળ સુરક્ષા ક્ષેત્રે સતત ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ જ દિશામાં આગળ વધતા, ગુજરાતની જનતા જે બહુપ્રતીક્ષિત અને મહત્ત્વાકાંક્ષી ‘કલ્પસર પરિયોજના’ પર વર્ષોથી આશા લગાવીને બેઠી હતી, તેને હવે જમીની સ્તરે સાકાર કરવા માટે ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા એક અત્યંત નક્કર અને પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે.
નેધરલેન્ડ્સ સાથેના આ જોડાણથી બંને દેશો વચ્ચે આધુનિક ટેકનોલોજી, કુશળતા અને વૈજ્ઞાનિક પદ્ધતિઓના આદાન-પ્રદાનને વધુ સુદૃઢ બનાવવામાં આવ્યું છે. દરિયાઈ બંધ અને વોટર મેનેજમેન્ટમાં નેધરલેન્ડ્સ પાસે સદીઓનો બહોળો વૈશ્વિક અનુભવ ઉપલબ્ધ છે, જેનો સીધો લાભ હવે કલ્પસર પરિયોજનાને પ્રાપ્ત થશે.
આ મહત્ત્વાકાંક્ષી પરિયોજનાના પૂર્ણ અમલીકરણથી સમગ્ર ગુજરાતને જળ સુરક્ષાની સાથે-સાથે પરિવહન, કૃષિ, ઉદ્યોગ અને સર્વાંગી વિકાસના ક્ષેત્રે અભૂતપૂર્વ લાભ પ્રાપ્ત થશે. દરિયામાં મીઠા પાણીના સરોવર નિર્માણથી પીવાના પાણી અને સિંચાઈની સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવશે તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર ઘટતા રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આ સંયુક્ત પહેલ ગુજરાતના જળ સમૃદ્ધ ભવિષ્ય માટે એક સીમાચિહ્નરૂપ પગલું સાબિત થશે.


