નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર 2026: Development of Dilution Refrigerator ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ (TDF) સ્કીમ હેઠળ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એ ક્વોન્ટમ એપ્લિકેશન્સ માટે 20 mK ડાઇલ્યુશન રેફ્રિજરેટરના સ્વદેશી વિકાસના સહયોગી પ્રયાસરૂપે ‘ઝીરો mK ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ’ (Zero mK India Private Limited) સ્ટાર્ટ-અપ સાથે પ્રથમ હાઇ-વેલ્યુ ડીપ ટેક પ્રોજેક્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
નવી દિલ્હી ખાતે ડિરેક્ટર (TDF) અને અલવર (રાજસ્થાન) ની ઝીરો mK ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે આ કરાર સંપન્ન થયો હતો. સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા ડીપ-ટેક અને કટિંગ-એજ પ્રોજેક્ટ્સ માટે અગાઉ મંજૂર કરવામાં આવેલા Rs 500 કરોડના ભંડોળ (કોર્પસ) હેઠળનો આ પ્રથમ હાઇ-વેલ્યુ કરાર છે.
ડાઇલ્યુશન રેફ્રિજરેટર્સ એ વિશિષ્ટ ક્રાયોજેનિક સિસ્ટમ્સ છે જે મિલીકેલ્વિન શ્રેણીમાં અત્યંત નીચું તાપમાન પ્રાપ્ત કરવા માટે સક્ષમ છે. આ પ્રકારનું અતિ-નીચું તાપમાન ધરાવતું વાતાવરણ વિવિધ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ્સ અને સંબંધિત ક્વોન્ટમ ટેકનોલોજીના સંચાલન અને પરીક્ષણ માટે અત્યંત આવશ્યક છે.
20 mK-ક્લાસ ડાઇલ્યુશન રેફ્રિજરેટરનો સ્વદેશી વિકાસ ‘નેશનલ ક્વોન્ટમ મિશન’ સાથે સુસંગત છે અને તે ક્વોન્ટમ ટેકનોલોજી, એડવાન્સ્ડ ક્રાયોજેનિક્સ અને વ્યૂહાત્મક ટેકનોલોજીમાં ભારતની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવે છે. આનાથી આયાતી ક્રાયોજેનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરની નિર્ભરતા ઘટાડવામાં અને સ્થાનિક ક્વોન્ટમ ટેકનોલોજી ઇકોસિસ્ટમને આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે.
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે DRDO, ઉદ્યોગ જગત અને આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાથે જોડાયેલા તમામ હિતધારકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ભાગીદારી ઉભરતા ટેકનોલોજી ક્ષેત્રોમાં ભવિષ્યના DRDO-ઉદ્યોગ સહયોગ માટે એક નવો માર્ગ પ્રશસ્ત કરશે.
આ પહેલ સાથે જોડાયેલી ટીમોને અભિનંદન આપતા સંરક્ષણ સચિવ, સંરક્ષણ R&D વિભાગના સચિવ અને DRDO ના ચેરમેન શ્રી રાજેશ કુમાર સિંહે પ્રોજેક્ટના ઉદ્દેશ્યો હાંસલ કરવા માટે સફળતાની શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે ડિરેક્ટર જનરલ – માઇક્રો ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ અને કમ્પ્યુટેશનલ સિસ્ટમ તથા સાયબર સિક્યુરિટી (DG MCC); ડિરેક્ટર જનરલ – ટેકનોલોજી મેનેજમેન્ટ (DG TM); ડિરેક્ટર – સોલિડ સ્ટેટ ફિઝિક્સ લેબોરેટરી (SSPL) અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટનું માર્ગદર્શન અને ટેકો SSPL ના ડિરેક્ટર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે.


