Homerevoinews‘રમશે સંસ્કૃત અને જીતશે સંસ્કૃત’ સૂત્ર સાથે વીસમા યુવક મહોત્સવનું થયું સમાપન

‘રમશે સંસ્કૃત અને જીતશે સંસ્કૃત’ સૂત્ર સાથે વીસમા યુવક મહોત્સવનું થયું સમાપન

વેરાવળ, 26 ઑક્ટોબર, 2026 – Sanskrit will play, and Sanskrit will win શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના વીસમા યુવક મહોત્સવનો સમાપન સમારોહ તા.૨૪-૧૦-૨૦૨૬ના શનિવારે બપોરે ૦૩:૩૦ કલાકે યુનિવર્સિટી પરિસરમાં યોજાયો. સમાપન કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટીના ગ્રંથપાલ અને સંયોજક શ્રી રવીન્દ્ર કાલેએ સૌનું શાબ્દિક સ્વાગત, મંચસ્થ મહાનુભાવોના પરિચય અને વીસમા યુવક મહોત્સવના વૃત્તકથન સાથે કરી.

સમાપન સમારોહના વિશેષ અતિથિ તરીકે અત્રની યુનિવર્સિટીના પુરાણ ફેકલ્ટીના ડીન/અધ્યક્ષ ડૉ. આશાબેન માઢકે ઋગવેદ, મહાભારત, સ્વામી વિવેકાનંદ વગેરેના ઉદાહરણ થકી યુવા શબ્દની વિસ્તૃત વ્યાખ્યા કરી. દ્રઢ નિશ્ચય અને ભગવાનમાં શ્રદ્ધા, વિશ્વાસ રાખવાથી અવશ્ય લક્ષ્યની સિદ્ધી પ્રાપ્ત થાય છે એમ જણાવ્યું.

વિશેષ અતિથિરૂપે અત્રેની યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. યોગેશકુમાર પટેલે વીસમા યુવક મહોત્સવમાં ભાગ ગ્રહણ કરનાર તમામ યુવાઓને અભિનંદન પાઠવ્યાં. તેમણે કહ્યું કે યુવા શબ્દને ઉલ્ટો વાંચવામાં આવે એટલે કે વાયુ. અર્થાત્ વાયુના વેગ જેવી ગતિ હોય તે યુવા. આશા, ઉમંગ અને ઉત્સાહનો સંગમ એટલે યુવા.

સમારોહના અધ્યક્ષ એવાં યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ ડૉ. નરેન્દ્ર કુમાર પંડ્યાએ કહ્યું કે દ્વિદિવસીય સ્પર્ધાત્મક ઉત્સવમાં ઉપસ્થિત રહી દરેક સ્પર્ધકોમાં ઉત્સાહ, ખંત, ક્ષમતા અને વિવેક જેવા વિશિષ્ટ ગુણો જોઇને હું એક અપૂર્વ આનંદની લાગણી અનુભવું છું. આપણા સૌની રૂચિ ખેલ/ક્રિડાત્મક પ્રવૃતિઓમાં/સ્પર્ધાઓમાં વધુ હોય છે. અનેકતામાં એકતાના દર્શન સ્પર્ધા પૂર્ણ થયા બાદ પ્રતિસ્પર્ધીઓ વચ્ચેનો પરસ્પર ભાવ જોઇને યુવક મહોત્સવમાં ભાગ ગ્રહણ તમામ યુવાઓને તેમણે અભિનંદન પાઠવ્યાં. ભારતની પરંપરા વિશિષ્ટ રહી છે. ભારતીય જ્ઞાન પરંપરા વિશ્વમાં અદ્વિતીય છે. ઇચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિ એમ ત્રણ શક્તિઓનો સમન્વય એટલે આ યુવક મહોત્સવ. આવા મહોત્સવો થકી ભાઇચારા, કરુણા જેવા વ્યક્તિત્વલક્ષી ગુણોનો વિકાસ દૃષ્ટિગોચર થાય છે. ૨૦મા યુવક મહોત્સવમાં વિજેતા થયેલ તમામ સ્પર્ધાના ખેલાડીઓ રાજ્ય સરકાર દ્વારા આયોજિત થનાર ખેલ મહાકુંભમાં અને દેશમાં નામ રોશન કરે એવી અભ્યર્થના વ્યક્ત કરી. ત્યારબાદ, મંચસ્થ મહાનુભાવોએ તમામ વિજેતાઓને મેડલો અને પ્રમાણપત્રો એનાયત કર્યાં.

અત્રેની યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરાએ ૨૦મા યુવક મહોત્સવના મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત સૌનો અને યુવક-મહોત્સવમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકો, આમંત્રિત નિર્ણાયકો અને અધ્યાપકોનો પણ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. સમગ્ર સમાપન સમારોહનું મંચ સંચાલન અત્રેના અનુસ્નાતક વિભાગના સાહિત્યના પ્રાધ્યાપક ડૉ.જીગર ભટ્ટે કરેલ હતું. ૨૦મા યુવક મહોત્સવમાં સંયોજક તરીકે અત્રેના ડૉ. જયેશકુમાર મુંગરા, શ્રી રવીન્દ્ર કાલે, ડૉ. જીગર ભટ્ટ અને ડૉ. કિરણકુમાર ડામોરે કર્યું હતું.

મુખ્ય બાબતો – કુલ ૪૫ જેટલી સ્પર્ધાઓનું આયોજન
 ભાઇઓની કેટેગરીમાં
– ૧૬૭ ગુણાંક સાથે પ્રથમ ક્રમે રહી યજમાન સંસ્થા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ વિજય વૈજયન્તી ટ્રોફ઼ી મેળવી.
– ૫૦ ગુણાંક સાથે બીજા ક્રમે રનર્સઅપ રહી સાળંગપુર સ્થિત BAPS સ્વામિનારાણ સંસ્કૃત મહાવિદ્યાલય અને અમદાવાદ સ્થિત ભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટ સંચાલિત શિક્ષાશાસ્ત્રી મહાવિદ્યાલય, સોલા

 બહેનોની કેટેગરીમાં
– ૫૫ ગુણાંક સાથે પ્રથમ ક્રમે રહી યજમાન સંસ્થા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ વિજય વૈજયન્તી ટ્રોફ઼ી મેળવી.

 યોજાયેલી સ્પર્ધાઓ
૧. રંગોળી સ્પર્ધા
૨. શાસ્ત્રીય ગાયન-વાદન, શાસ્ત્રીય નૃત્ય (સોલો-ગ્રૂપ)
૩. મોનો એક્ટિંગ
૪. શોર્ટ પુટ (મેલ/ફિમેલ)
૫. ડિસ્ક થ્રો (મેલ/ફિમેલ)
૬. વોલીબોલ
૭. કબડ્ડી
૮. બેડમિન્ટન (મેલ/ફિમેલ)
૯. ચેસ (મેલ/ફિમેલ)
૧૦. ૧૦૦/૨૦૦/૪૦૦/૧૫૦૦ મીટર દોડ સ્પર્ઘા (મેલ/ફિમેલ)
૧૧. કુસ્તી (૫૦/૫૫/૬૦/૬૬ કિલોગ્રામ)
૧૨. ગોળાફેંક/ચક્રફેંક/બરછીફેંક (મેલ/ફિમેલ) વગેરે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular