ટીએમસીને વધુ એક સુપ્રીમ ફટકો, મતગણતરી મામલે મમતા બેનરજીની અરજી ફગાવી
નવી દિલ્હી, 2 મે, 2026: ટીએમસીને વધુ એક અદાલતી ફટકો પડ્યો છે. પશ્ચિમ બંગાળમાં મતગણતરી કેન્દ્રમાં કેન્દ્રીય કર્મચારીઓની હાજરી સામે મમતા બેનરજીએ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી છે.
આજે શનિવારે સવારે તૃણમૂલ કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કપિલ સિબ્બલે કોર્ટમાં TMCનો પક્ષ રજૂ કર્યો હતો પરંતુ TMCને કોઈ રાહત મળી શકી નથી અને તેની અરજી ફગાવી દેવામાં આવી છે. કપિલ સિબ્બલે કહ્યું, “ચૂંટણી પંચ એકતરફી નિર્ણયો લઈ શકે નહીં.” તેમણે ઉમેર્યું, “અમને આશંકા છે કે ACEOના આદેશથી મતગણતરીમાં ગેરરીતિ થશે.”
TMCએ શું કહ્યું?
TMCએ કહ્યું કે કાઉન્ટિંગ સુપરવાઈઝર તરીકે રાજ્યના કર્મચારીઓની નિમણૂક કેમ કરવામાં આવતી નથી? બંધારણની કલમ 324ના ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચ મનસ્વી રીતે વર્તી રહ્યું છે અને રાજ્યના કર્મચારીઓની દાનત પર સવાલ ઉઠાવી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે આવા આરોપો ન લગાવી શકો. રાજ્યના કર્મચારી હોય કે કેન્દ્રના, બધા ચૂંટણી પંચ હેઠળ કામ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું કે એવું નથી કે ત્યાં માત્ર કાઉન્ટિંગ સુપરવાઈઝર જ હશે; તેના સિવાય ઉમેદવારોના પ્રતિનિધિઓ અને અન્ય અધિકારીઓ પણ હાજર રહેશે. કોઈપણ પ્રકારની આશંકાનો કોઈ આધાર જણાતો નથી.
TMCને સુપ્રીમ કોર્ટનો ઝટકો
TMCને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે એડિશનલ CEOના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર કરી દીધો છે.
ચૂંટણી પંચે શું કહ્યું?
કેસની સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે જણાવ્યું કે એક કર્મચારી રાજ્ય સરકારનો પણ હશે. પંચના આ જવાબને સુપ્રીમ કોર્ટે રેકોર્ડ પર લીધો છે. પંચના પરિપત્ર પર સુપ્રીમ કોર્ટે કોઈ દખલગીરી કરી નથી.
સુપ્રીમ કોર્ટના આ વલણ સાથે TMCને કોઈ રાહત મળી નથી અને તેની અરજી ફગાવી દેવામાં આવી છે.
4 મેના રોજ આવશે ચૂંટણીના પરિણામો
નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં 2 તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ તબક્કા માટે 23 એપ્રિલ અને બીજા તબક્કા માટે 29 એપ્રિલના રોજ મતદાન થયું હતું. ચૂંટણીના પરિણામો 4 મે 2026 ના રોજ જાહેર થશે.


