1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેશમાંથી થતી કુલ નિકાસમાં ગુજરાતની હિસ્સેદારી છેલ્લા ત્રણ વર્ષથી ટોપ ઉપર

દેશમાંથી થતી કુલ નિકાસમાં ગુજરાતની હિસ્સેદારી છેલ્લા ત્રણ વર્ષથી ટોપ ઉપર

0
Social Share

અમદાવાદઃ દેશમાંથી થતાં નિકાસમાં ગુજરાતનો હિસ્સો ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 29.68  ટકાએ પહોંચી ગયો છે. ચાલુ નાણાંકીય વર્ષમાં આજ સુધીમાં ગુજરાતમાંથી રૂ. 84500 કરોડની નિકાસ કરવામાં આવી છે. વિદેશમાં થતી નિકાસમાં ગુજરાતનો આ આંકડો સૌથી વધુ છે. તો બીજી અમદાવાદથી ભરૂચ સુધી ઇન્ડસ્ટ્રીઝનો એક આખો પટ્ટો ધરાવતા વડોદરામાંથી છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 69842 કરોડની નિકાસ થવા પામી છે.

જી-20 અંતર્ગત એકતાનગર ખાતે ચાલી રહેલી ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની બેઠકમાં સભ્ય દેશો વચ્ચે આ વિષય ઉપર સંભાવના અને તકો ઉપર મંથન કરવામાં આવી રહ્યું છે. ત્યારે, કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ ગુજરાતનું મસ્તક ગૌરવ સાથે ઉંચુ કરે એવા છે. આ આંકડાઓ દર્શાવે છે કે નિકાસ કરવામાં ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી સતત ટોપ ઉપર છે.

વર્ષ 2021-22માં ગુજરાતમાંથી કુલ રૂ. 9,45,796 કરોડની નિકાસ થઇ હતી. આ નિકાસ દેશની કુલ નિકાસના 30.05 ટકા હતી. એ વર્ષમાં મહારાષ્ટ્રનો હિસ્સો 17.32 ટકા હતો અને ત્રીજા ક્રમે 8.34 ટકા સાથે તમિલનાડુ રહ્યું છે. એ પછીના વર્ષ 2022-23માં ગુજરાતની કુલ નિકાસમાં 3 ટકાથી માતબર વૃદ્ધિ નોંધાઇ હતી. તે વર્ષમાં ગુજરાત રૂ. 12,00,001 કરોડ મૂલ્ય ધરાવતી વસ્તુઓની નિકાસ કરવામાં આવી હતી. જે દેશની કુલ નિકાસના 33.14 ટકા હિસ્સો ધરાવે છે. આ નાણાંકીય વર્ષ દરમિયાન પણ મહારાષ્ટ્ર 16 ટકા સાથે બીજા રહ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષના અત્યાર સુધીમાં રૂ. 84500 કરોડની નિકાસ થઇ છે. આ આંકડો પણ દેશના તમામ રાજ્યો પૈકી સૌથી વધારે છે.

ગુજરાતમાંથી નિકાસ કરતા જિલ્લાઓમાં અમદાવાદનો ક્રમ પ્રથમ છે. ચાલુ વર્ષમાં અમદાવાદમાંથી રૂ. 7620 કરોડની નિકાસ થઇ છે. દવાઓ, મશીનરી, સ્માર્ટસ ફોન, આભૂષણો, ચોખા, કપાસ અને કાપડ સહિતની વસ્તુઓની અધિકત્તમ નિકાસ અમદાવાદથી થઇ છે. વડોદરા પણ નિકાસની બાબતોમાં ઉભરી રહ્યું છે અને અહીંથી અનેક વસ્તુઓની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે, આ નિકાસથી વિદેશી હુંડિયામણ રળી આપવામાં વડોદરા પણ આગે કદમ છે.

છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષ એટલે કે, 2021-22, 2022-23 અને 2023-24 (ચાલુ) દરમિયાન વડોદરામાંથી થયેલી નિકાસનું મૂલ્ય અનુક્રમે જોઇએ તો રૂ. 31248 કરોડ, રૂ. 35785 કરોડ અને રૂ. 2808 કરોડ છે. આમ, છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 69842 કરોડની નિકાસ થઇ છે. વડોદરામાંથી મહત્તમ કેમિકલ, દવાઓ, મશીન અને તેના પાર્ટ્સ, સ્માર્ટસ ફોન સહિતની વસ્તુઓ અને કોમોડિટીની નિકાસ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code