Homeગુજરાતીહરિયાણા-રાજસ્થાન વચ્ચે યમુના જળ વિવાદનો સુખદ અંત, પાઇપલાઇન દ્વારા પહોંચશે પાણી

હરિયાણા-રાજસ્થાન વચ્ચે યમુના જળ વિવાદનો સુખદ અંત, પાઇપલાઇન દ્વારા પહોંચશે પાણી

નવી દિલ્હી, 23 જૂન 2026: દેશમાં દાયકાઓથી વણઉકેલાયેલા રાજ્યો વચ્ચેના પાણીના વિવાદો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક પછી એક ઉકેલાઈ રહ્યા છે. નવી દિલ્હી ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં હરિયાણા અને રાજસ્થાન વચ્ચે યમુના નદીના પાણીની વહેંચણીને લઈને ઐતિહાસિક સહમતિ સધાઈ છે. આ હાઈ-લેવલ બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ હાજરી આપી હતી અને વર્ષ 994ના જૂના કરાર હેઠળ રાજસ્થાનના હિસ્સાના પાણી અંગે વિસ્તૃત ચર્ચા કરી આખરી નિર્ણય લીધો હતો.

બેઠક બાદ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, 1994ના કરાર મુજબ રાજસ્થાનને તેના હિસ્સાનું પૂરતું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે એક નવો સમજૂતી કરાર તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે હવે આ પાણી ઓપન કેનાલના બદલે અત્યાધુનિક પાઇપલાઇન નેટવર્ક દ્વારા રાજસ્થાન સુધી પહોંચાડવામાં આવશે અને બંને રાજ્યો આ નવી વ્યવસ્થા પર સહમત થયા છે. આગામી સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આ ઐતિહાસિક કરાર પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવામાં આવશે અને દસ્તાવેજોની આપ-લે થશે.

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ બેઠકને અત્યંત સકારાત્મક ગણાવતા કહ્યું કે, “અમારો પ્રયાસ સંવાદ અને સહયોગની ભાવના સાથે જળ સંસાધનોનું ન્યાયસંગત સંચાલન કરવાનો છે.” તેમણે વધુમાં માહિતી આપી હતી કે લખવાર, કિશાઉ અને રેણુકા ડેમ પ્રોજેક્ટ્સ પર પણ સહમતિ બની ગઈ છે, જેનાથી હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીની જનતાને મોટો ફાયદો થશે. આ ઉપરાંત, ચોમાસા દરમિયાન જે વરસાદી પાણી નકામું વહી જાય છે, તેને વૈજ્ઞાનિક ઢબે ડાયવર્ટ કરીને રાજસ્થાન સુધી પહોંચાડવા પર પણ સંમતિ સધાઈ છે.

  • શેખાવટી ક્ષેત્રના ખેડૂતો અને નાગરિકો માટે સંજીવની સમાન: સીએમ ભજનલાલ

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ ક્ષણને રાજ્ય માટે ઐતિહાસિક ગણાવતા પીએમ મોદી અને સી.આર. પાટીલનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, “વર્ષો જૂની આ બહુપ્રતીક્ષિત યમુના જળ પરિયોજના હવે વાસ્તવિકતા બનવા જઈ રહી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ દ્વારા રાજસ્થાનના પાણીની અછતવાળા ‘શેખાવટી ક્ષેત્ર’ને પીવાનું શુદ્ધ પાણી મળશે અને સાથે જ ખેડૂતોની સિંચાઈની જરૂરિયાતો પણ પૂરી થશે. આનાથી આખા ક્ષેત્રના વિકાસ અને સમૃદ્ધિને નવી ગતિ મળશે.” તેમણે ઉમેર્યું કે પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ માત્ર રાજસ્થાન-હરિયાણા જ નહીં, પરંતુ રાજસ્થાન-મધ્યપ્રદેશ, હિમાચલ-યુપી અને દિલ્હી વચ્ચેના વર્ષો જૂના જળ વિવાદોનો પણ કાયમી ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.

સંબંધિત લેખો

Most Popular