વંદે માતરમ અને રાષ્ટ્રગીતના સાચા ઉચ્ચારણ મામલે ગૃહ મંત્રાલયે જાહેર કર્યો પ્રોટોકોલ
નવી દિલ્હી, 11 જુલાઈ 2026: કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ગીત (વંદે માતરમ) અને રાષ્ટ્રગીત (જન ગણ મન) ના સન્માન અને ગાયન શૈલી અંગે એક નવો અને કડક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ અને રાજ્યપાલોની ઓફિસોને મોકલવામાં આવેલા આ નિર્દેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગીત વગાડતી કે ગાતી વખતે સાચા શબ્દો, યોગ્ય ઉચ્ચારણ અને ગૌરવપૂર્ણ રીતનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય રહેશે.
- કયા પ્રસંગોએ રાષ્ટ્રીય ગીત ગાવું ફરજિયાત રહેશે?
ગૃહ મંત્રાલયના 9 જુલાઈના આદેશ અનુસાર, રાષ્ટ્રીય ગીત નીચેના પ્રસંગોએ વગાડવામાં અથવા ગાવવામાં આવશે. નાગરિક સન્માન સમારોહ અને રાષ્ટ્રપતિના સત્તાવાર સરકારી કાર્યક્રમોમાં તેમના આગમન અને પ્રસ્થાન સમયે. રાષ્ટ્રપતિ દ્વારા ઓલ ઈન્ડિયા રેડિયો અને ટેલિવિઝન પર દેશજોગ સંબોધન પહેલાં અને પછી તરત જ. તેમજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજ્યપાલ અને લેફ્ટનન્ટ ગવર્નર (LG) ના સત્તાવાર કાર્યક્રમોમાં. આ ઉપરાંત પરેડ દરમિયાન જ્યારે રાષ્ટ્રીય ધ્વજ લાવવામાં આવે ત્યારે.
-
‘વંદે માતરમ’ ના 150 વર્ષ અને પ્રોટોકોલ નિયમો
જો કોઈ રાજ્યમાં રાષ્ટ્રગીત/રાષ્ટ્રીય ગીતની સાથે રાજ્ય ગીત પણ વગાડવામાં આવતું હોય, તો પહેલા રાષ્ટ્રીય ગીત વગાડવામાં આવશે અને ત્યારબાદ જ રાજ્ય ગીત વગાડી શકાશે. વંદે માતરમના ગાયન માટે મંત્રાલયે અગાઉ 28 જાન્યુઆરીના આદેશમાં જણાવ્યું હતું કે સત્તાવાર કાર્યક્રમોમાં તેના છ શ્લોકો ગવાશે જેનો સમયગાળો 3 મિનિટ 10 સેકન્ડનો રહેશે.
દેશ હાલમાં ‘વંદે માતરમ’ ના 150 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ગૃહ મંત્રાલયે યાદ અપાવ્યું છે કે 24 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ સભા દ્વારા નક્કી કરાયા મુજબ ‘વંદે માતરમ’ ને ‘જન ગણ મન’ ની સમકક્ષ જ દરજ્જો અને સન્માન પ્રાપ્ત છે. જ્યારે પણ આ ગીતો ગવાય ત્યારે સભામાં ઉપસ્થિત તમામ લોકોએ સાવધાનની મુદ્રામાં ઊભા રહેવું પડશે.


