1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન
  4. સોનાની લગડી જેવો કોરિયાનો રાષ્ટ્રધર્મ અને આપણા નેતાઓનું પિત્તળિયું રાજકારણ
સોનાની લગડી જેવો કોરિયાનો રાષ્ટ્રધર્મ અને આપણા નેતાઓનું પિત્તળિયું રાજકારણ

સોનાની લગડી જેવો કોરિયાનો રાષ્ટ્રધર્મ અને આપણા નેતાઓનું પિત્તળિયું રાજકારણ

0
Social Share
  • દક્ષિણ કોરિયાના નાગરિકોએ દેશ માટે સોનું દાન કર્યું, અને અહીં વડાપ્રધાન “સોનું અને ઇંધણ બચાવો” ની અપીલ કરે તો અમુક નેતાઓના પેટમાં ચૂંક ઉપડે છે

હેમંત પરમાર દ્વારા

વર્ષ ૧૯૯૭-૯૮.
એશિયન ફાઇનાન્શિયલ ક્રાઇસિસનો એ ભયંકર સમય જ્યારે ટેકનોલોજી અને વિકાસની હરણફાળ ભરતું દક્ષિણ કોરિયા રાતોરાત નાદારીના આરે આવીને ઊભું રહી ગયું હતું. દેશના અર્થતંત્રનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો, અને નાછૂટકે કોરિયાએ IMF (ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ) પાસે હાથ લંબાવવો પડ્યો. ૫૭ અબજ ડોલરનું બેલઆઉટ પેકેજ મંજૂર થયું, જે એ સમયના ઇતિહાસનું સૌથી મોટું અને શરમજનક દેવું હતું.

પણ, સંકટના સમયે જ દેશના નાગરિકોના અસલી ચરિત્રની અને તેમની દેશદાઝની કસોટી થતી હોય છે. દક્ષિણ કોરિયાની સરકારે પોતાના નાગરિકોને એક ભાવનાત્મક અપીલ કરી કે, “દેશને વિદેશી હૂંડિયામણની જરૂર છે, શું તમે તમારું વ્યક્તિગત સોનું દેશને બચાવવા દાન કરી શકો?” અને પછી જે થયું, તે આખી દુનિયા માટે કોઈ અકલ્પનીય ચમત્કારથી કમ નહોતું.

કોરિયન નાગરિકોએ બેંકોની બહાર લાંબી-લાંબી લાઈનો લગાવી

કોઈ કાયદો નહોતો ઘડાયો, કોઈના ઘરે પોલીસ નહોતી મોકલાઈ, છતાં ૩૫ લાખથી વધુ કોરિયન નાગરિકો બેંકોની બહાર લાંબી-લાંબી લાઈનો લગાવીને ઊભા રહી ગયા. દેશને બચાવવાની આ મુહિમમાં લોકોએ પોતાની પવિત્ર લગ્નની વીંટીઓ, બાળકોના જન્મ સમયે ભેટમાં મળેલી સોનાની ચમચીઓ, અરે, ખેલાડીઓએ પોતાના પરસેવે કમાયેલા ઓલિમ્પિક મેડલ અને ટ્રોફીઓ પણ દેશના ચરણે ધરી દીધી. જોતજોતામાં લગભગ ૨૨૭ ટન સોનું એકઠું થઈ ગયું, જેની કિંમત ૨.૨ અબજ ડૉલર હતી. આ બલિદાનનું જ પરિણામ હતું કે દક્ષિણ કોરિયાએ નિર્ધારિત સમય કરતાં ત્રણ વર્ષ પહેલાં જ, ૨૦૦૧માં IMFની લોન પરત કરીને પોતાનો દેશ દેવામુક્ત કરી દીધો. કોરિયનોએ સાબિત કરી દીધું કે રાષ્ટ્રના હિત સામે તેમની અંગત સંપત્તિ માત્ર ધૂળ સમાન છે.

આ પણ વાંચોઃ લોટરી કિંગની તિજોરી અને ચર્ચના આશીર્વાદ: સી. જોસેફ વિજયના રાજકીય નાટક પાછળનો અસલી ખેલ

હવે જરા આ અરીસો આપણા પોતાના દેશ તરફ ફેરવીએ

ઈશ્વર ન કરે, પણ જો આવતીકાલે આપણા ૧૪૦ કરોડની વસ્તીવાળા દેશ પર આવી કોઈ આર્થિક આપત્તિ આવી પડે, તો આપણામાંથી કેટલા લોકો દેશ માટે પોતાની તિજોરીઓ ખોલવા આગળ આવશે? એ તો સમય જ કહેશે. પણ, હાલમાં દેશની જે રાજકીય માનસિકતા છે તે જોઈને શરમથી માથું નમી જાય છે.

આપણા દેશમાં એવા પણ રાજકારણીઓ પાક્યા છે, જેમના માટે દેશ કરતાં પોતાની ખુરશી અને વોટબેંક વધુ વ્હાલી છે. હજુ થોડા સમય પહેલાં જ જ્યારે વડાપ્રધાને દેશવાસીઓને માત્ર એટલી જ વિનંતી કરી કે, “અર્થતંત્રને મજબૂત રાખવા માટે વર્ષભર સોનાની બિનજરૂરી ખરીદી ટાળો અને પેટ્રોલ-ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરો,” ત્યારે વિપક્ષી છાવણીમાં જાણે કોઈએ મરચાંની ધૂણી કરી હોય એવો કકળાટ મચી ગયો.

ભારતના વિપક્ષી નેતાઓ

કોરિયાના લોકોએ તો દેશ માટે પોતાની આખી જમાપૂંજી આપી દીધી હતી, અને અહીં માત્ર બિનજરૂરી ખરીદી અને ઇંધણ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ જેવા નેતાઓ કાગારોળ મચાવીને સરકારની નિંદા કરવા બેસી ગયા. દેશના લોકોને કરકસર કરવાનું કહેવું એ જાણે કોઈ મોટો ગુનો હોય, તે રીતે આ નેતાઓ ભાષણો ઠોકવા લાગ્યા. રાષ્ટ્રહિત શું કહેવાય, એ આ લોકોના અભ્યાસક્રમમાં કદાચ છે જ નહીં.

જો આ દેશમાં “યથા રાજા તથા પ્રજા” નો સિદ્ધાંત ખરેખર લાગુ પડતો હોય, તો જરા વિચારો કે આવી રાષ્ટ્રદ્રોહી, નકારાત્મક અને ઝેરીલી વિચારસરણી ધરાવતા નેતાઓ ક્યારેય આ દેશના રાજા બનવાને લાયક છે ખરા?

જો ભવિષ્યમાં ભૂલેચૂકે પણ આ નેતાઓના હાથમાં દેશનું સુકાન આવી ગયું, તો આ દેશની પ્રજા તેમના નેતૃત્વમાં શું શીખશે? માત્ર ને માત્ર સરકારને ભાંડો, ટેક્સની ચોરી કરો, સબસિડીઓ ખાઈ જાઓ, ભ્રષ્ટાચાર કરો અને આત્મકેન્દ્રી સ્વાર્થી વલણ રાખો. તેમના શાસનમાં નાગરિકોના હૃદયમાં દેશ માટે પ્રેમ, રાષ્ટ્ર હિતનો વિચાર કે પોતાના અંગત સુખોનું બલિદાન આપવાની ભાવના ક્યારેય નહીં જન્મે, ક્યારેય નહીં.

દક્ષિણ કોરિયાના લોકોએ સોનું આપીને દેશનો સુવર્ણ ઇતિહાસ લખ્યો છે, જ્યારે આપણા કેટલાક નેતાઓ પિત્તળિયા રાજકારણથી દેશને કાટ લગાડવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. પ્રજાએ નક્કી કરવાનું છે કે તેમને બલિદાન આપનારો દેશ જોઈએ છે, કે માત્ર મફતની રેવડીઓ વહેંચીને દેશને ગીરવે મૂકનારા નેતાઓ?

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code