1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉદ્યોગોની આર્થિક સલામતી અને સુરક્ષા માટે SITની રચના કરાઈ
ઉદ્યોગોની આર્થિક સલામતી અને સુરક્ષા માટે SITની રચના કરાઈ

ઉદ્યોગોની આર્થિક સલામતી અને સુરક્ષા માટે SITની રચના કરાઈ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતના ઉદ્યોગોને વિકાસમાં કોઈ વિક્ષેપ ન આવે તે તરફ સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. દરમિયાન મોરબીમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોરબીના ઉદ્યોગોની આર્થિક સલામતી અને સુરક્ષા માટે SIT ની રચના કરી અને તેનો આજથી જ અમલ પણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ તકે ઉપસ્થિત મોરબીના ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આ નિર્ણયને વધાવ્યો હતો.

મોરબી ખાતે ઉદ્યોગપતિઓ સાથે સંવાદ દરમિયાન ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મોરબીને બધું આપવા તૈયાર છે. મોરબીના સિરામીક ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગ થકી દુનિયાનું નંબર વન સેન્ટર બનાવવું છે અને સરકાર તે તરફ તમામ પ્રયાસો કરી રહી છે. આજે મોરબી દેશના અનેક રાજ્યોના લાખો યુવાનોના રોજગારીના સપના પુરા કરી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લાના તમામ ઉદ્યોગની સુરક્ષા માટે સરકાર પણ હંમેશા કટિબદ્ધ છે.

મોરબીના ઉદ્યોગોનો વ્યાપારની સલામતિ માટે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી તમામ ઉદ્યોગોની માંગ હતી જે રાજ્ય સરકારે પુરી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મોરબીના ઉદ્યોગો સાથે કોઈ માઈનો લાલ છેતરપીંડી ન કરી શકે તે માટે SITની રચના કરી તેનો આજથી જ અમલ કરવામાં આવે છે.

SITની વાત કરતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, SITની રચના કરીને ઉદ્યોગો માટે અલાયદી કાયદાકીય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઉદ્યોગપતિઓ સાથે છેતરપીંડી કરનારાઓની ઉંઘ હરામ થઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબીમાંથી માલ મેળવીને પછી પેમેન્ટ માટે જવાબ નહીં દેનાર કે ફોન નહીં ઉપાડનાર વેપારીઓને SIT મોરબીના ધક્કા ખવડાવશે.

અહીંના વેપારી વિશ્વાસથી માલ આપે ત્યારે સામે વિશ્વાસઘાત કરનારા પર ક્રિમિનલ ફોજદારી થઈ શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આપણે SIT થી એવી છાપ ઉભી કરીશું કે, ગુજરાત પોલીસનું નામ પડશે અને તે પાર્ટીને વેપારી સાથે સેટલમેન્ટ કરવા આવવું પડશે.

મંત્રીએ જણાવ્યું હતું કે, મોરબીના સિરામિક ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોએ રાજ્યને હંમેશા તમામ પ્રકારનો સહયોગ આપ્યો છે ત્યારે તેમની પણ બધી માગણીઓ સરકારે પૂરી કરી છે. વિશ્વના અન્ય સિરામીક ઉદ્યોગેને મોરબીનો સહારો લેવો પડે છે જે મોરબીની કંપનીઓ માટે ભવ્ય જીત છે. સિરામીક ઇન્ડસ્ટ્રીના નગર એવા મોરબીમાં મોડેલ જીઆઇડીસી પર ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code