સ્માર્ટ બોર્ડરથી દેશ સુરક્ષિત બનશે, સરહદના અંતિમ ગામોમાંથી પલાયન અટકાવવા પ્રયાસો શરૂ કરાયાં
નવી દિલ્હી, 10 જુલાઈ 2026: દેશમાં આંતરિક સુરક્ષાની સાથે સાથે ઘુસણખોરીને અટકાવવા માટે કેન્દ્ર સરકારે કવાયત વધુ તેજ બનાવી છે. કેન્દ્ર સરકારે ભારત-મ્યાનમાર સરહદ ઉપર સંપૂર્ણ ફેન્સિંગની કવાયત તેજ બનાવી છે. આ ઉપરાંત સરહદ ઉપરના ગામોમાં સ્થાનિકોનું પલાયન અટકાવવા અને રોજગારની તકો વધારવાની દિશામાં પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં આયોજિત ‘સીમાંત જિલ્લા પોલીસ અધિક્ષક સંમેલન-2026’ ને સંબોધિત કરતા દેશની સરહદોની સુરક્ષાને લઈને મોદી સરકારના વિઝનની વિગતવાર રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ સંમેલન દ્વારા દેશની સમગ્ર સરહદી સુરક્ષાના અભિગમને એક સંસ્થાગત સ્વરૂપ મળ્યું છે અને આગામી સમયમાં આ જ રીતે દરિયાકાંઠાની સુરક્ષા પણ સુદ્રઢ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર સરહદ સુરક્ષા દળો, રાજ્ય-જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક નાગરિકોના પરસ્પર તાલમેલથી એક અત્યંત મજબૂત ‘ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ’ નું નિર્માણ કરી રહી છે, જેનાથી આપણી સરહદો વિશ્વમાં સૌથી આધુનિક અને સ્માર્ટ બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તરમાં આતંકવાદ તેમજ નક્સલવાદ પર મોટી સફળતા મેળવી છે અને આગામી ત્રણ વર્ષમાં નાર્કોટીક્સ (નશીલા પદાર્થો) ની સમસ્યાને પણ જડમૂળથી ખતમ કરવામાં આવશે. ગૃહમંત્રીએ સરહદી વિસ્તારોમાં થતા ગેરકાયદેસર જનસંખ્યામાં ફેરફાર (ડેમોગ્રાફિક ચેન્જ) પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઘૂસણખોરી આ ફેરફારનું મુખ્ય કારણ છે. આ અસામાન્ય વસ્તીવધારાના અભ્યાસ અને તેને રોકવા માટે મોદી સરકારે ‘ડેમોગ્રાફી મિશન’ ની શરૂઆત કરી છે અને સરકાર ઘૂસણખોરી મુક્ત ભારત બનાવવા માટે કટિબદ્ધ છે.
વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ સરહદના અંતિમ ગામોને દેશના પ્રથમ ગામ ગણીને ત્યાંથી પલાયન અટકાવવાના અને રોજગારી વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવાના ભાગરૂપે ભારત સરકાર 31000 કરોડ રૂપિયાના માતબર ખર્ચે 1610 કિલોમીટર લાંબી ભારત-મ્યાનમાર સરહદ પર સંપૂર્ણ ફેન્સિંગ કરી રહી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રોક્સી વોર, કટ્ટરવાદ, ડ્રોન અને સાયબર ક્રાઇમ જેવા આધુનિક પડકારોને રોકીને સરહદોને સુરક્ષિત અને વસવાટ લાયક બનાવવાનો છે.


