નીટ-યુજી પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટનું આકરુ વલણ: સરકાર અને NTA પાસે પરીક્ષા સુધારા પર માંગ્યો અહેવાલ
નવી દિલ્હી, 24 જુલાઈ 2026: દેશમાં ચકચાર મચાવનાર નીટ-યુજી પેપર લીક પ્રકરણ બાદ સર્વોચ્ચ અદાલતે પરીક્ષા વ્યવસ્થામાં મોટા પાયે કાયમી સુધારા લાવવા માટે આકરુ વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીને પરીક્ષા સુધારાઓને અમલમાં મૂકવાની દિશામાં અત્યાર સુધી થયેલી પ્રગતિ અંગે એક વિગતવાર સોગંદનામુ દાખલ કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. કોર્ટે ટકોર કરી છે કે પરીક્ષાની પવિત્રતા જાળવવા માટે માત્ર કામચલાઉ કે અસ્થાયી ઉપાયો પર નિર્ભર રહી શકાય નહીં, પરંતુ તંત્રમાં કાયમી અને મજબૂત સુધારાઓ લાવવા અનિવાર્ય છે.
જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે સરકારે પોતાના સોગંદનામામાં ખાસ એ સ્પષ્ટ કરવું પડશે કે પરીક્ષા સુધારાઓને એક કાયમી વ્યવસ્થા તરીકે સ્થાપિત કરવા માટે અત્યાર સુધી શું નક્કર પગલાં લેવામાં આવ્યા છે. અદાલતે પ્રસ્તાવિત ઓપરેટિંગ બોર્ડ, વિશેષજ્ઞોની આગેવાની હેઠળની એકમો, સંબંધિત પક્ષોના નામિનેશન તેમજ ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા 10 અલગ-અલગ ક્ષેત્રોમાં આપવામાં આવેલી ભલામણોના અમલીકરણ અંગે વિગતવાર માહિતી માંગી છે. આ 10 ક્ષેત્રોમાં ડિજિટલ માળખું, સુરક્ષા, સંશોધન અને વિકાસ, પારદર્શિતા, પ્રશાસન અને માનવ સંસાધન જેવા અતિ મહત્વના વિષયોનો સમાવેશ થાય છે.
સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર પાસે એ બાબતની પણ સ્પષ્ટતા માંગી છે કે પરીક્ષા દરમિયાન સુરક્ષા, દેખરેખ અને સતર્કતા જાળવવા માટે નવા નિમણૂક કરાયેલા વધારાના મહાનિર્દેશકોની ચોક્કસ ભૂમિકા શું છે અને આ દિશામાં અત્યાર સુધી કેટલી પ્રગતિ થઈ છે. પીઠે પરીક્ષા પ્રક્રિયાના પ્રત્યેક તબક્કા—એટલે કે પરીક્ષા પહેલાં, પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પૂરી થયા પછીના તબક્કા—માટે કરવામાં આવી રહેલા સુધારાઓની સ્ટેટસ રિપોર્ટ પણ તાત્કાલિક ધોરણે રજૂ કરવા જણાવ્યું છે.
-
પરીક્ષા પ્રક્રિયા અને પ્રશ્નપત્રોની સુરક્ષા પર સવાલો
કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે રાજ્ય અને જિલ્લા સ્તરના અધિકારીઓ સાથે મળીને પરીક્ષા પ્રણાલીમાં સુધારો કરવા, આગામી સમયમાં પરીક્ષા બહુવિધ તબક્કામાં યોજવાની વ્યવસ્થા ગોઠવવા, પરીક્ષા કેન્દ્રોની પસંદગી તથા પ્રશ્નપત્રોની તૈયારી, છપાઈ અને તેને સુરક્ષિત રીતે કેન્દ્રો સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં અત્યાર સુધી શું પ્રગતિ થઈ છે.
ખાસ કરીને, જસ્ટિસ નરસિમ્હાએ એ વાત પર ભાર મૂક્યો હતો કે પેપર લીકની ઘટના બાદ પ્રશ્નપત્રોની સુરક્ષિત હેરફેર માટે ભારતીય વાયુસેનાની મદદ લેવી એ માત્ર એક ક્ષણિક અને કટોકટીભર્યો ઉપાય હતો, તેને ક્યારેય કાયમી ઉકેલ માની શકાય નહીં. કોર્ટે કમ્પ્યુટર આધારિત પરીક્ષા પ્રણાલી અપનાવવાની યોજના અને ડેટા સુરક્ષા માટે લેવાનારી તકનીકી સુરક્ષાના ઉપાયોની પણ માહિતી માંગી છે. આ ઉપરાંત, પરીક્ષાર્થીઓની સાચી ઓળખ સુનિશ્ચિત કરવા માટે ‘ડિજીયાત્રા’ જેવી અદ્યતન તકનીકોનો ઉપયોગ કરવાના પ્રસ્તાવ પર પણ સરકારે જવાબ આપવો પડશે તેમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે.
-
સરકાર તરફથી ખાતરી
અદાલતે નોંધ્યું હતું કે કેન્દ્ર દ્વારા અગાઉ રજૂ કરાયેલા અફિડેવીટમાં આ તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. આ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે સરકાર આ તમામ નિર્દેશોને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં જ એક નવું અને વિસ્તૃત હલફનામું કોર્ટમાં દાખલ કરશે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે આ આખી પ્રક્રિયા પર ન્યાયાલયની સઘન નજર રહેશે. કોર્ટે જણાવ્યું કે, “અમે આ સમગ્ર વ્યવસ્થાને સંપૂર્ણપણે સંસ્થાકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે કે નહીં તેની ખાતરી કરીશું અને આખા વર્ષ દરમિયાન આ મામલાની સતત મોનિટરિંગ કરતા રહીશું.” આ અત્યંત મહત્વપૂર્ણ કેસની આગામી સુનાવણી હવે આગામી સોમવારે હાથ ધરવામાં આવશે.


