અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ભારે ટેરિફ (આયાત શુલ્ક)ની સ્પષ્ટ અસર હવે અર્થતંત્ર પર દેખાવા લાગી છે. અમેરિકામાં આયાત થતી અનેક ચીજોની કિંમતોમાં વધારો થતાં સપ્ટેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દર 3 ટકાએ પહોંચી ગયો છે. અમેરિકાના શ્રમ વિભાગે તાજેતરના મોંઘવારીના આંકડા જાહેર કર્યા હતા. આંકડા અનુસાર, ગ્રાહક કિંમત સૂચકાંક (CPI) આધારિત મોંઘવારી સપ્ટેમ્બરમાં એક વર્ષ પહેલાંની સરખામણીમાં વધીને 3 ટકા થઈ છે, જ્યારે ઓગસ્ટમાં આ દર 2.9 ટકા હતો.
ખાદ્ય અને ઊર્જા વિભાગમાં આવેલા ઉતાર-ચઢાવને બાદ કરતાં, મુખ્ય મોંઘવારી દર (કોર ઈન્ફ્લેશન) 3 ટકા રહ્યો, જે ઓગસ્ટના 3.1 ટકાથી થોડો ઓછો છે. હાલનો આંકડો અમેરિકન સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના 2 ટકા લક્ષ્ય કરતાં ઘણો વધુ છે. આ ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક આધારિત આંકડાઓ સરકારના “શટડાઉન” (કાર્યબંધી) ને કારણે એક અઠવાડિયા કરતાં વધુ વિલંબથી જાહેર કરવામાં આવ્યા હતા. ટ્રમ્પ પ્રશાસને આ આંકડા તૈયાર કરવા માટે શ્રમ વિભાગના કેટલાક કર્મચારીઓને ફરી બોલાવ્યા હતા. આ મોંઘવારીના આંકડા ઘણાં અર્થશાસ્ત્રીઓની અપેક્ષા કરતાં થોડા ઓછા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ કારણે ફેડરલ રિઝર્વ આગામી અઠવાડિયે યોજાનારી બેઠકમાં વર્ષમાં બીજી વાર વ્યાજદર ઘટાડવાનો નિર્ણય કરી શકે છે.
ફેડરલ રિઝર્વે ગયા સપ્ટેમ્બરમાં મુખ્ય વ્યાજ દરમાં 0.25 ટકા (25 બેઝિસ પોઇન્ટ) નો ઘટાડો કર્યો હતો, જે ડિસેમ્બર 2024 બાદ પ્રથમ ઘટાડો હતો. આ પગલું અમેરિકામાં વધતી બેરોજગારી અને ઊંચી મોંઘવારીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હતું. વિશ્લેષણ મુજબ, અમેરિકામાં રોજગાર વૃદ્ધિ ધીમી પડી રહી છે. ઓગસ્ટમાં ફક્ત 22,000 નવી નોકરીઓ જ ઊભી થઈ હતી.


