
- એશિયાની એક માત્ર પાણીમાં તરતી ઊંટની પ્રજાતિને જોઇ રેસ્ક્યૂ ટીમ આશ્ચર્યમાં પડી,
- દ્વારકામાં ઊંટોને સલામત રીતે બહાર કાઢ્યા બાદ તેના માલિકને સોંપાયા,
- ખારાઈ પ્રજાતિના ઊંટ દરિયામાં લાંબો સમય તરી શકે છે
ભૂજઃ કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે માલધારીઓ 10 ઊંટ લઈને કંડલા પાસેના કાંઠા વિસ્તારમાં ચેરીયા વનસ્પતિ ખવડાવા ગયા હતા, તે દરમિયાન ભારે વરસાદના કારણે 10 જેટલા ઊંટ દિનદયાળ પોર્ટ નજીકથી દરિયામાં તણાઇ ગયા હતા. જે તરીને દ્વારકાના વાડીનાર પોર્ટ પહોંચ્યા હતા. જ્યાં વાડીનાર પોલીસે તમામ ઊંટોનું રેસ્ક્યૂ કર્યું હતું.
કચ્છના દરિયાકાંઠેથી સ્વિમિંગ કરી 10 જેટલા ઊંટ દ્વારકાના દરિયાકાંઠે પહોંચ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. મહત્વનું છે કે, ખારાઈ ઊંટ એશિયમાં એકમાત્ર પાણીમાં તરી શકતી ઉંટની પ્રજાતિ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મુળ જામનગર જિલ્લાના ખંભાળીયા તુલાકના સીંગચ ગામના માલધારી પોતાના ખારાઇ પ્રજાતિના ઊંટોને લઇને કચ્છના કંડલા પાસેના કાંઠા વિસ્તારમાં ચેરીયા વનસ્પતિ ખવડાવા ગયા હતા. આ દરમિયાન ભારે વરસાદના કારણે 10 જેટલા ઊંટ દિનદયાળ પોર્ટ નજીકથી દરિયામાં તણાઇ ગયા હતા. જે તરીને દ્વારકાના વાડીનાર પોર્ટ પહોંચ્યા હતા. જ્યાં વાડીનાર પોલીસે તમામ ઊંટોનું રેસ્ક્યૂ કર્યું હતું અને તમામ ઊંટોને સલામત રીતે બહાર કાઢ્યા બાદ હવે તેમને તેમના માલિકને સોંપવામાં આવ્યા હતા. .
મૂળ કચ્છના ખારાઈ ઊંટ એશિયમાં એક માત્ર પાણીમાં તરી શકતી ઊંટની પ્રજાતિ છે. જે પોતાનો ચારો ચરવા માટે દરિયામાં જાય છે અને ચેરનાં વૃક્ષોનો ચારો ચરે છે. કચ્છમાં ભચાઉ તાલુકાના ચિરઈથી વોન્ધ, જંગી, આંબલીયારા અને સુરજબારી સુધીના દરિયાઈ ખાડીના વિસ્તારમાં આ ઊંટની પ્રજાતિ જોવા મળે છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2016માં ઊંટની આ પ્રજાતિને રાષ્ટ્રીય માન્યતા મળી ચૂકી છે.
આ બાબતે કચ્છના માલધારીઓના કહેવા મુજબ ખારાઈ ઊંટ દરિયાની ખાડી વિસ્તાતમાં અને છીછરા પાણીમાં તરી શકે છે, ત્યારે કચ્છથી દ્વારકા સુધીના દરિયામાં તરીને સહી સલામત પહોંચ્યા આ ઘટના અસામાન્ય કહી શકાય એમ છે. ખારાઇ ઊંટની વિશેષતાની જો વાત કરવામાં આવે તો ખારાઇ ઊંટ એશિયામાં માત્ર કચ્છ અને ખંભાતના અખાતના વિસ્તારમાં જ જોવા મળે છે.ખારાઇ ઊંટ દરિયાઇ ખાડીમાં તરી શકે છે, દરિયામાં તરવાની કુદરતી ક્ષમતા ફકત ખારાઇ ઊંટમાં જ છે અન્ય કોઇ ઊંટમાં નથી.જે આ ઊંટોને અન્ય ઊંટો કરતા અલગ પાડે છે. દરિયાઇ ખાડીમાં થતી ચેર વનસ્પતિના પાંદડા ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક છે. આ ઉપરાંત દરીયાકાંઠાની ખારી જમીનમાં થતા લાણો, ખારીજાર,પીલુડી જેવી વનસ્પતિનુ ખારાઈ ઊંટ ચરીયાણ કરે છે.