
નવી દિલ્હીઃ ઝારખંડના ગુમલા જિલ્લામાં નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત સુરક્ષાદળોને બુધવારની મોટી સફળતા મળી છે. ઘાઘરા થાનાં ક્ષેત્રના લવાદાગ જંગલમાં ઝારખંડ જગુઆર દળ અને જિલ્લા પોલીસની સંયુક્ત ટીમે માઓવાદીઓના ઠેકાણે અચાનક ધાડ પાડી હતી. આ અથડામણમાં ત્રણ કુખ્યાત માઓવાદીઓ મોતને ભેટ્યા, જ્યારે બે અન્ય ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે. ઘટનાસ્થળેથી સુરક્ષાદળોએ મોટી સંખ્યામાં હથિયાર અને ગોળાબારૂદ કબજે કર્યા છે. જેમાં એક એકે-56 રાઇફલ, એક એસએલઆર અને એક ઇન્સાસ રાઇફલ સહિત અનેક મેગેઝિન અને કારતૂસનો સમાવેશ થાય છે. મૃત ઉગ્રવાદીઓમાંથી એકની ઓળખ બેલગડા ગામના રહેવાસી દિલીપ લોહરા તરીકે થઈ છે, જે લાંબા સમયથી વિસ્તારમાં સક્રિય હતો અને અનેક કેસોમાં વૉન્ટેડ હતો. બાકીના બેની ઓળખ પ્રક્રિયામાં છે.
ગુમલાના એસપી હરીશ બિન જામાએ જણાવ્યું કે, “આ ઝારખંડ પોલીસના નક્સલ વિરોધી અભિયાનની મોટી સફળતા છે. બંને તરફથી ગોળીબાર થયા બાદ ત્રણ ઉગ્રવાદીઓ ઠાર મરાયા છે. તેમના પાસે થી અતિઆધુનિક હથિયારો મળી આવ્યા છે. હાલ સર્ચ ઑપરેશન ચાલુ છે અને ટૂંક સમયમાં ફરાર થયેલા નક્સલીઓને પણ પકડી લેવાશે.” અથડામણ બાદ આસપાસના ગામોમાં દહેશતનો માહોલ છે. ગ્રામજનોએ જણાવ્યું કે, માઓવાદીઓ લાંબા સમયથી જંગલોમાં સક્રિય હતા અને જબરજસ્તી લેઇવી વસૂલતા હતા. સુરક્ષાદળોની કાર્યવાહીને કારણે હવે લોકોમાં રાહત અનુભવાઈ છે અને શાંતિ કાયમ રહેવાની આશા છે.
ગુમલા સહિત આસપાસના જિલ્લાઓમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં સુરક્ષાદળોએ નક્સલ વિરોધી અભિયાનને તેજ કર્યું છે. આ અથડામણ એક મહિનાની અંદર મળેલી બીજી મોટી સફળતા ગણાય છે. તે પહેલાં પણ પાલામુ અને ચત્રા વિસ્તારમાં અનેક નક્સલીઓને ઝડપી હથિયાર કબજે કરાયા હતા. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, ઝારખંડ સરકાર અને સુરક્ષા એજન્સીઓ નક્સલ સમસ્યાના કાયમી સમાધાન માટે કડક વલણ અપનાવ્યું છે. જંગલ વિસ્તારમાં અભિયાન ચાલુ રહેશે અને ટૂંક સમયમાં માઓવાદી પ્રવૃત્તિઓનો પૂરો અંત લાવવામાં આવશે.