હાજી રમકડું, ધાર્મિક પંડ્યા, અરવિંદ વૈદ અને રતિલાલ બોરીસાગર સહિત 5 ગુજરાતીને પદ્મશ્રી
અમદાવાદ, 25 જાન્યુઆરી 2026: દેશમાં 77 માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આજે કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી ગુજરાતમાં કલા, સમાજસેવા, શિક્ષણ, અને ચિકિત્સા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપનારા 5 ને પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ચિકિત્સા ક્ષેત્રે અંગદાનની પ્રવૃતિના પ્રણેતા એવા સુરતના નિલેશ માંડલેવાલા તથા ઢોલકના કારણે હાજી રમકડુંના નામે જાણીતા હાજી કાસમ મીર અને 350 વર્ષ જૂની માણભટ્ટની પરંપરાને જીવંત રાખનારા વડોદરાના ધાર્મિકલાલ પંડ્યા, તેમજ સાહિત્યમાં રતિલાલ બોરિસાગર અને આર્ટમાં અરવિંદ વૈદ્યને પદ્મશ્રી એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરાશે.
ગુજરાતમાં પદ્મશ્રી એવોર્ડ માટે 5 મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે જેમાં સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સામાજિક કાર્ય માટે પદ્મશ્રી એવોર્ડનું સન્માન આપવામાં આવ્યું છે. તેઓ ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા તરીકે ઓળખાય છે અને ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક છે. વર્ષ 1997માં નિલેશભાઈના પિતાની કિડની નિષ્ફળ થઈ હતી. વર્ષ 2004થી તેમને નિયમિત ડાયાલિસિસ કરાવવું પડતું હતું. આ દરમિયાન દર્દી અને પરિવારને પડતી અસહ્ય તકલીફો જોઈને નિલેશભાઈએ આ ક્ષેત્રમાં કાર્ય કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો. વર્ષ 2005થી અંગદાનની જનજાગૃતિ માટે વન મેન આર્મીની જેમ કાર્ય કરતા નિલેશભાઈએ વર્ષ-2014 માં ડોનેટ લાઈફ નામની સંસ્થા સ્થાપી હતી. અંગદાનની પ્રવૃત્તિમાં તા. 22 જાન્યુઆરી 2026 સુધીમાં કુલ 1366 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવીને દેશના વિવિધ રાજયો અને વિદેશના મળી કુલ 1258 વ્યકિતઓને નવજીવન આપવામાં મહત્વપુર્ણ યોગદાન આપ્યું છે.
જ્યારે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પૈકીના એક એવા ‘પદ્મશ્રી’ એવોર્ડ માટે જૂનાગઢના ખ્યાતનામ ઢોલક વાદક હાજીભાઈ કાસમભાઈ મીર, જેઓ લોકપ્રિય રીતે ‘હાજી રમકડું’ તરીકે ઓળખાય છે, તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા છ દાયકાથી ઢોલકની થાપ પર સમગ્ર વિશ્વને ડોલાવનાર આ કલાકારને જ્યારે આ સન્માન મળવાની જાણ થઈ ત્યારે તેઓ અત્યંત ભાવુક થઈ ગયા હતા. આ ઉપરાંત વડોદરાના ધાર્મિકલાલ ચુનિલાલ પંડયા ‘માણભટ્ટ’ને સંગીત ક્ષેત્રે પદ્મશ્રીથી સન્માનિત કરાશે. ધાર્મિકલાલ પંડયાએ જણાવ્યું હતું કે, આ પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયો છે એનો મને ખૂબ જ આનંદ છે. પરંતુ આ સન્માન માત્ર મારું નથી, આ સન્માન તો આપણા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવનારા પ્રેમાનંદ, નરસિંહ મહેતા, નાકર અને ભાલણ જેવા મહાન કવિઓનું છે. મને અત્યંત આનંદ છે કે આજે આપણી ગુજરાતી ભાષા અને આખ્યાનકારોનું સન્માન થઈ રહ્યું છે.
પદ્મશ્રી એવોર્ડ માટે સાહિત્યમાં રતિલાલ બોરિસાગર અને આર્ટમાં અરવિંદ વૈદ્યની પસંદગી કરવામાં આવી છે.


