અમદાવાદ, 9 એપ્રિલ 2026: 60 suffer from food poisoning after eating sev-khamni જિલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પ્રસાદમાં સેવ-ખમણી ખાધા બાદ 60થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. હાલ તમામ દર્દીઓને સારવાર અર્થે કડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ રાજપુરા ગામે દોડી ગયા હતા.
આ બનાવની વિગત એવી છે કે, દેત્રોજ તાલુકાના રાજપુરા ગામમાં ગઈકાલે ગુરુવારે 8 એપ્રિલની મોડી રાત્રે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા અને ઉત્સાહ સાથે યોજાયેલા આ પ્રસંગમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. કાર્યક્રમ દરમિયાન હાજર લોકોને નાસ્તામાં સેવ-ખમણી આપવામાં આવી હતી. જોકે, નાસ્તો કર્યાના ગણતરીના કલાકોમાં જ લોકોની તબિયત એકાએક લથડવા માંડી હતી. લોકોને સતત ઊલટી, ઉબકા અને પેટમાં અસહ્ય દુ:ખાવાની ફરિયાદ ઉઠતાં કાર્યક્રમમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં બીમાર દર્દીઓનો આંકડો 60ને પાર કરી ગયો હતો. અને અસરગ્રસ્ત લોકોને કડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચિંતન દેસાઈએ જણાવ્યું હતું. સવારે 4 વાગે મને મસેજ મળ્યો એટલે તરત જ અમારી ટીમ એક કલાકની અંદર સ્થળ પર પહોંચી ગઇ હતી. માતાજીના ધાર્મિક પ્રસંગમાં પ્રસાદ સ્વરૂપે આપેલી સેવ-ખમણી ખાધા પછી 3-4 કલાકમાં 96 લોકોની તબિયત બગડી હતી. જેમાંથી 67 લોકોને સારવાર આપવામાં આવી હતી, જેમાંથી 30 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય 25 જેટલા લોકોને ઓનસ્પોર્ટ ટ્રિટમેન્ટ આપવામાં આવી હતી. અમારી 10 લોકોની ટીમ અત્યારે આખા ગામનું સર્વેલેન્સ કરી રહી છે. જે પણ લોકોએ પ્રસાદી ખાધી હતી તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમણે જે પાણી પીધું હતું તેના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે.
ઘટનાની ગંભીરતાને જોતા ગ્રામજનોએ તાત્કાલિક ‘108’ ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. દર્દીઓની સંખ્યા વધુ હોવાથી 108 એમ્બ્યુલન્સની સાથે સાથે ખાનગી વાહનો મારફતે તમામ અસરગ્રસ્તોને કડી સ્થિત ભાગ્યોદય હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. મેડિકલ ટીમો દ્વારા હાલ યુદ્ધના ધોરણે દર્દીઓની સઘન સારવાર કરવામાં આવી છે.


