 
                                    - રોયલ્ટી પાસ વિના ત્રણ વાહનોમાં કોલસો અને કપચી ભરેલા હતા
- ત્રણેય વાહનો લીંબડી પોલીસને હવાલે કરાયા
- છેલ્લા ઘણા વખતથી ખનીજચોરીનું કૌભાંડ ચાલતું હતું
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ખનીજચોરીનું દૂષણ સૌથી વધુ જાવા મળી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા ખનીજચોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. લીંબડી હાઈવે પર પ્રાંત અધિકારીએ ટીમ સાથે રાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરી રોયલ્ટી પાસ પરમીટ વગર ખનીજ વહન કરતા 3 વાહનો ઝડપી પાડ્યા હતા. ગેરકાયદે કોલસો, કપચી ભરેલા 3 વાહન સહિત 65 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસ મથકે સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી, વઢવાણ, મૂળી, સાયલા, થાનગઢ, ચોટીલા તાલુકામાં ખનીજ માફિયાઓ રેતી, કપચી, કોલસાનું ગેરકાયદે ખનન વહન કરી સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવી રહ્યાની ફરિયાદો ઉઠતા પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈએ નાયબ મામલતદાર એલ.એ.ચિહલા, નાયબ મામલતદાર એસ.કે.અલગોતર, એન.આર.ખાંદલા સહિત ટીમ સાથે તા.11 ફેબ્રુઆરીની રાતે લીંબડી હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મૂળી તાલુકાના ટીકર ગામના દેવરાજ સંગ્રામભાઈ રબારીનું રોયલ્ટી પાસ પરમીટ વગર 35 ટન કપચી ભરેલું ડમ્પર, ચોટીલાના મોરસલ ગામના જીવા હાજાભાઈ વાંગરાના ડમ્પરમાંથી રોયલ્ટી પાસ પરમીટ વગર 19 ટન કોલસ અને સાયલાના રહીશ દેવા ભરવાડના રોયલ્ટી પાસ પરમીટ વગર 35 ટન કપચી ભરેલ ડમ્પર ઝડપી પાડ્યું હતું. પકડાયેલા ત્રણેય વાહનોમાંથી 65 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ગેરકાયદે ખનીજ વહન કરતાં ત્રણેય વાહનોને લીંબડી પોલીસ મથકે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લીંબડી પ્રાંત અધિકારીએ ટીમ સાથે હાઈવે પર આકસ્મિક ચેકિંગ હાથ ધરતા ગેરકાયદે ખનીજ વહન કરતાં ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ લીંબડી હાઈવે પર કટારિયા પાસે ખાણ ખનીજ અને આરટીઓ કચેરી દ્વારા ચેક પોસ્ટ ઊભી કરી છે. ચેક પોસ્ટ હોવા છતાંયે લીંબડી હાઈવે પર રોયલ્ટી પાસ વગર, ઓવરલોડ ખનીજ ભરેલા વાહનો બેરોકટોક પસાર થતા હોવાની રાવ છે. ડેપ્યુટી કલેક્ટર કુલદીપ દેસાઈ દ્વારા ચેક પોસ્ટ નજીકથી ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનોને પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારે ચેક પોસ્ટની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. થોડા મહિના પહેલાં એસીબી ટીમે ચેક પોસ્ટથી ગેરકાયદે ખનીજ ભરેલા વાહનોને જવા દેવા માટે લાંચ લેતાં 2 શખસને પકડ્યા હતા.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

