 
                                    - ભીમ અગિયારસ કરવા રિક્ષામાં પિયર જતી મહિલાને અકસ્માત નડ્યો,
- માતાની નજર સામે 13 મહિનાના બાળકનું મોત,
- મહિલાને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાઈ
રાજકોટઃ રાષ્ટ્રીય ઘોરી માર્ગો પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર હીરાસર એરપોર્ટ ચાર રસ્તા પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે જતી કારે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં પ્રવાસ કરી રહેલા બાળક અને તેની માતાને ઈજાઓ થઈ હતી. જેમાં બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે બાળકની માતાને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, રાજકોટ-અમદાવાદ હાઇવે પર હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરના ચાર રસ્તા પાસે કારે રિક્ષાને ટક્કરે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પિયર ભીમ અગિયારસ કરવા રિક્ષામાં બેસીને જતી માતાની નજર સામે 13 માસના પુત્રનું મોત થયું હતું. માતા કૈલાસબેનને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે પુત્ર ધ્રુવપાલના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. ભીમ અગિયારસનો તહેવાર નજીક હોય, માતા-પુત્ર રિક્ષામાં બેસી મોટી મોલડી ગામે જતા હતા. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કૈલાશબેન યશવંતભાઈ ભલગામડીયા (ઉ.વ.28, રહે. સાયપર ગામ, તા.રાજકોટ) તેમના પુત્ર ધ્રુવપાલ (ઉ.વ. 13 માસ) સાથે લઈ પિયર મોટી મોલડી જવા સવારે પોતાના ગામ સાયપરથી રિક્ષામાં બેઠા હતા. રિક્ષા હીરાસર એરપોર્ટ જવાના નવા ચાર રસ્તે પહોંચતા સામેથી આવતા કાર ચાલકે રિક્ષાને અડફેટે લીધી હતી. જે અકસ્માતમાં માતા પુત્ર બંને ઘવાયા હતા. બંનેને 108 મારફત કુવાડવાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં પુત્રને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જ્યારે માતાને ઇજા પહોંચી હોય રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. પરિવારજનો પાસેથી મળતી વિગત મુજબ ધ્રુવપાલના પિતા યશવંતભાઈ ટ્રેકટર ચલાવવાનું કામ કરે છે. બનાવના પગલે પરિવારમાં શોક છવાયો હતો.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

