
પાકિસ્તાનમાં ગ્રહયુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF) એ ફરી એકવાર પાકિસ્તાનમાં હુમલાઓનો દોર શરૂ કર્યો છે. સંગઠને મોડી રાત્રે બલુચિસ્તાનના અનેક જિલ્લાઓમાં સતત હુમલાઓ કર્યા હતા, જેમાં અનેક સરકારી રહેઠાણો અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલ અનુસાર અલગતાવાદી સંગઠન BLF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે, જેને ઓપરેશન નવી સવાર કહેવામાં આવ્યું હતું. આ હુમલા સાથે, સંગઠને પાકિસ્તાન સામે વર્ષો જૂની લડાઈ ફરી શરૂ કરી છે.
અહેવાલો અનુસાર, પાકિસ્તાનના વિવિધ ભાગો, પંજગુર, સુરબ, કેચ અને ખારાનમાં કુલ 17 હુમલા કરવામાં આવ્યા હતા. એક નિવેદનમાં, BLF સભ્ય મેજર ગ્વાહરામ બલોચે આ હુમલાને ‘બલુચ રાષ્ટ્રીય મુક્તિ યુદ્ધમાં એક નવી સવાર’ ગણાવી અને કહ્યું કે આ અભિયાન મકરાન કિનારાથી કોહ-એ-સુલેમાન પર્વતો સુધી ફેલાયેલું હતું, જે સંગઠન માટે આગળનો માર્ગ બતાવે છે. હવે આ બદલો એક નવા સ્વરૂપમાં પ્રવેશી ગયો છે. તેમણે કહ્યું કે ઓપરેશન નવી સવારનો હેતુ એ બતાવવાનો છે કે બલૂચ લડવૈયાઓ મોટા પાયે ઓપરેશનને સફળ બનાવવામાં માહિર છે.
મેજર ગ્વાહરામ બલોચે કહ્યું, ‘આ હુમલો કાળજીપૂર્વક આયોજનબદ્ધ હતો, જેથી ફક્ત સુરક્ષા દળોના લોકો અને તેમના વિસ્તારોને જ નુકસાન થઈ શકે. જોકે, મોટા પાયે નુકસાન હજુ બાકી છે. ઓપરેશન પૂર્ણ થયા પછી બધી માહિતી આપવામાં આવશે.’ આ હુમલા પછી, સુરક્ષા દળોએ બુધવારે સવારથી કેટલાક છુપાયેલા સ્થળો પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જ્યારે કેચ અને પંજગુરના કેટલાક ભાગોમાં સંદેશાવ્યવહાર સેવાઓ બંધ રહી.