
નવી દિલ્હીઃ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની બેઠક દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે બેઇજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર આ બેઠકની માહિતી શેર કરતા વિદેશ મંત્રીએ લખ્યું કે, “આજે સવારે બેઇજિંગમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને મારા સાથી SCO વિદેશ મંત્રીઓ સાથે મળ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિ શી જિનપિંગને અમારા દ્વિપક્ષીય સંબંધોમાં તાજેતરના વિકાસ વિશે માહિતી આપી હતી. અમે આ સંદર્ભમાં અમારા નેતાઓના માર્ગદર્શનની કદર કરીએ છીએ.”
સૂત્રોના જણાવ્યા અનુસાર, જયશંકર અને શી જિનપિંગે ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોમાં તાજેતરની પ્રગતિ, પરસ્પર સહયોગ અને પ્રાદેશિક સ્થિરતા જેવા વિષયો પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું કે ભારત નેતૃત્વ સ્તરે વાતચીતને ખૂબ જ મહત્વપૂર્ણ માને છે અને તે દિશામાં આગળ વધી રહ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં સરહદી વિવાદો અને વેપાર તણાવ છતાં ભારત અને ચીન વચ્ચે વાતચીત ચાલુ રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બેઇજિંગમાં આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે SCO જેવા બહુપક્ષીય પ્લેટફોર્મ પર બંને દેશોના નેતાઓ વચ્ચે વાતચીતને સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.