1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જસદણ તાલુકાના 8 ગામોમાં એસટી બસની સુવિધા જ નથી, ગ્રામજનોને પડતી મુશ્કેલી
જસદણ તાલુકાના 8 ગામોમાં એસટી બસની સુવિધા જ નથી, ગ્રામજનોને પડતી મુશ્કેલી

જસદણ તાલુકાના 8 ગામોમાં એસટી બસની સુવિધા જ નથી, ગ્રામજનોને પડતી મુશ્કેલી

0
Social Share
  • કેબીનેટ મંત્રી કૂંવરજી બાવળિયાના મત વિસ્તારના ગ્રામજનો પરેશાન,
  • એસટી બસની સુવિધા ન હોવાથી  અસંખ્ય વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી રહ્યા છે,
  • ગ્રામજનોને નાછૂટકે છકડામાં મુસાફરી કરવી પડે છે,

રાજકોટઃ ગુજરાતમાં સર્વાંગી વિકાસ માટે દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ઘણાબધા ગામડાઓ વિકાસથી વંચિત છે. ગામના લોકોને પુરતી સુવિધા મળતી નથી. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના 7 ગામોમાં એસ ટી બસની સુવિધા ન હોવાથી ગ્રામજનોને ફરજિયાત છકડો-રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. સાતેય ગામોમાં માધ્યમિક શાળાઓ ન હોવાથી વિદ્યાર્થીઓને બહારગામ ભણવા જવા માટે એસટી બસની સુવિધા ન હોવાથી અસંખ્ય વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી રહ્યા છે અને અહીંયાના મુસાફરોને ખાનગી વાહનચાલકોને ઊંચા ભાડા ચૂકવવા પડે છે. આ સાતેય ગામડાંઓ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો મત વિસ્તાર છે. ગ્રામજનો એસટી બસની સુવિધા મળે તે માટે રજુઆતો કરીને થાકી ગયા છે. પણ કોઈ નિવેડો આવતો નશી.

રાજકોટ જિલ્લાના જસદણના સાત ગામમાં છેલ્લા 30 વર્ષથી એસટી બસ આવતી ન હોવાના સ્થાનિક ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોનું કહેવું છે કે, એસટી બસ આવતી નથી, જેના પરિણામે સાત ગામના અસંખ્ય વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી રહ્યા છે અને અહીંયાના મુસાફરોને ખાનગી વાહનચાલકોને ઊંચા ભાડા ચૂકવવા પડે છે. જોકે, આ મામલે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ જસદણ ડેપો મેનેજરને મળીને રજૂઆત કરી છે અને જો એસટી બસ આ વિસ્તારમાં શરૂ નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન હાથ ધરવા માટેની ચીમકી પણ ઉચ્ચારી છે.

રાજકોટના જસદણ તાલુકાના ભડલા વિસ્તારમાં વીરપર, રાણીગપર, રણજિતગઢ, બોઘરાવદર, આધિયા અને રાજાવડલા સહિત 7 ગામમાં છેલ્લા 30 વર્ષથી એસટી બસ આવતી ન હોવાની જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મનસુખભાઈ સાકરિયા દ્વારા એસટી નિગમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ મામલે મનસુખભાઈ સાકરિયાએ જણાવ્યું હતું કે, મારી જિલ્લા પંચાયતની અંદર સાત ગામ એવા છે, જ્યાં આજ સુધી ST બસના દર્શન થયા નથી. મારે સરકારમાં તમામ બેઠેલા ધારાસભ્ય, સંસદ સભ્યો અને ગુજરાત સરકારને એવી રજૂઆત છે કે શું આ ગામ ગુજરાતમાં નથી ? આ ગામડાઓના ખેડૂત છે, જનતા છે એ મહામહેનતે પરેસવો પાડી કપાસ પકાવે છે, મગફળી પકાવે છે, સોયબીન પકાવે છે અને 1 લાખના બિલમાં 5 હજાર રૂપિયાનો સરકારને ટેક્સ ભરે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગામડાના લોકોને પ્રાથમિક સુવિધાઓ મળવી જોઇએ, એની જગ્યાએ એસટી  બસની સુવિધા પણ નથી. આ ગામમાં વિકાસનો વિરોધ નથી પરંતુ લાખો રૂપિયાના રોડ-રસ્તા બનાવો છો અને એક વર્ષની અંદર ફૂટ ફૂટના ખાડા પડે છે તેનો વિરોધ છે. લાખો રૂપિયા ખર્ચી આરોગ્ય કેન્દ્ર બનાવો છે તેમાં એક વર્ષની અંદર પોપડા પડે છે તેનો વિરોધ છે. લાખો રૂપિયા ખર્ચી ગામડાઓમાં શાળા ઉભી કરો છો તેમાં એક વર્ષની અંદર પાણી પડે છે તેનો વિરોધ છે. આ સાત ગામની અંદર એવા બીજા આઠ ગામ છે. જેમાં કુદલી, શાંતિનગર, કનેસરા, રામળીયા, ગઢડીયા સહિતના 8 ગામોમાં બસ આવતી નથી. મારા 17 ગામમાંથી 14 ગામમાં આજે ST બસ આવતી નથી. પૂરતી માધ્યમિક શાળા નથી જેના કારણે હજારો વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો છે અને ખેતી કામમાં લાગી ગયા છે. તેના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.

ગ્રામજનોના કહેવા મુજબ  અમારા ગામની અંદર બસની સુવિધા નથી. છોકરાઓને બહારગામ ભણવા જવું હોય તો ભણી શકતા નથી. આ બાળકો કલેક્ટર બને, ડોક્ટર બને, પોલીસ બને, તલાટી મંત્રી બને, ગામનો આગેવાન બને, ગામનો સંરપંચ બની ગામનો વિકાસ કરે એવા છોકરાઓ ભણતર છોડીને ખેતીમાં લાગી ગયા છે. એસટીની સુવિધા નથી. છોકરીઓ ભણવામાં હોશિયાર હોવા છતાં ભણવા જઈ શકતી નથી. અહીંથી એક બસ ચાલુ કરે તો પાંચથી છ ગામનો રૂટમાં બસની સુવિધા મળી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code