
રાજકોટ : રાજકોટ જિલ્લાના જંગવડ નજીક એક કાર અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય સાત ઘાયલ થયા છે. આર.કે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દીવ ફરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન કાર ચાલકનું સ્ટેયરિંગ પરથી કાબુ છૂટતા ઇનોવા કાર પલટી મારી ગઈ હતી.
માહિતી અનુસાર, ઇનોવા કારમાં કુલ 10 વિદ્યાર્થી સવાર હતા. અકસ્માતમાં ત્રણેય વિદ્યાર્થીઓનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓને બહાર કાઢતાં પહેલાં જ તેઓએ જીવ ગુમાવ્યો હતો. અન્ય ઘાયલ વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
પ્રાથમિક તપાસમાં પોલીસે અંદાજ વ્યક્ત કર્યો છે કે કાર અતિશય ઝડપે દોડાવવામાં આવી રહી હતી, જેના કારણે ચાલકનું સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતાં આ દુર્ઘટના બની હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. મૃત વિદ્યાર્થીઓની ઉંમર આશરે 19 વર્ષ હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં મૃતદેહોને જસદણની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિજનોને સોંપવામાં આવશે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને જીવિત બચેલા વિદ્યાર્થીઓના નિવેદન પણ નોંધ્યાં છે.