
યેરુશલેમ : ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્યામિન નિતન્યાહૂએ ફિલિસ્તીન અંગે કરેલી મોટી જાહેરાતથી અરબ દેશોમાં નારાજગી ફેલાઈ છે. વેસ્ટ બેંકને ઇઝરાયલની જમીન જાહેર કરતાં નિતન્યાહૂએ સ્પષ્ટ કહ્યું કે હવે કોઈ ફિલિસ્તીનો રાજ્ય રહેશે નહીં. કબ્જાવાળા વેસ્ટ બેંકમાં યોજાયેલા એક ઇઝરાયલી વસાહત પ્રોજેક્ટના હસ્તાક્ષર સમારંભમાં તેમણે જણાવ્યું હતું કે, “આ જગ્યા અમારી છે.” નિતન્યાહૂના આ નિવેદનથી ભવિષ્યમાં ફિલિસ્તીન દેશ બનવાની સંભાવના ધૂંધળી બની ગઈ છે. આ સાથે જ કતાર પરના ઇઝરાયલના હુમલાથી પહેલેથી જ નારાજ અરબ દેશો વધુ ઉશ્કેરાઈ શકે છે.
મંગળવારે ઇઝરાયલની સેનાએ કતારની રાજધાની દોહા પર એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં હમાસના નેતાઓના એક કોમ્પ્લેક્સને નિશાન બનાવાયું હતું, જેમાં હમાસના પાંચ સભ્યો અને કતારની સુરક્ષા દળનો એક જવાન માર્યો ગયો હતો. મૃતકમાં હમાસના વરિષ્ઠ વાટાઘાટકાર ખલિલ અલ-હય્યાના પુત્ર હમામ અલ-હય્યા, વાટાઘાટ ઓફિસના ડિરેક્ટર જિહાદ લબાદ, બોડીગાર્ડ અહમદ મમલૂક, અબ્દુલ્લા અબ્દેલવાહદ, મુમેન હસૌન તથા કતારના લાન્સ કોર્પોરલ બદ્ર સાદ મહંમદ અલ-હુમૈદી અલ-દોસરીનો સમાવેશ થાય છે.
હમાસે આ હુમલાની નિંદા કરતાં તેને “વાટાઘાટ પ્રક્રિયાની હત્યા” ગણાવી. સાથે જ અમેરિકાની સાજીશ હોવાનો આક્ષેપ કર્યો હતો. કતાર પર ઇઝરાયલના હુમલાએ અરબ જગતને હચમચાવી નાખ્યું છે. કતાર અમેરિકાનો મહત્વપૂર્ણ સહયોગી ગણાય છે અને મધ્યપૂર્વમાં અમેરિકાનું સૌથી મોટું સૈનિક મથક પણ કતારમાં જ આવેલું છે.
કતાર પરના હુમલા બાદ વ્હાઈટ હાઉસે સ્પષ્ટતા કરી હતી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઇઝરાયલી કાર્યવાહી માટે મંજૂરી આપી નહોતી અને તેમને પૂર્વ સૂચના પણ આપવામાં આવી નહોતી. જોકે, હુમલાની જાણ થતાં જ ટ્રમ્પે પોતાના દૂતને કતારને તરત જ જાણ કરવાની સૂચના આપી હતી.