બંગાળની ખાડીમાં “મોન્થા” વાવાઝોડું સર્જાયું, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં એલર્ટ જાહેર
નવી દિલ્હીઃ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી ઉપર સર્જાયેલું હવાનું ડીપ ડિપ્રેશન હવે “મોન્થા” નામના ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વાવાઝોડું આવતીકાલ સવાર સુધીમાં વધુ તીવ્ર બનીને ગંભીર ચક્રવાતી વાવાઝોડું બની શકે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, આગામી 24 કલાક દરમિયાન “મોન્થા” વાવાઝોડું ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધીને પૂર્વ મધ્ય અરબી સમુદ્ર તરફ ખસશે. વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખીને ઓડિશા અને આંધ્રપ્રદેશમાં પ્રશાસનને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ સાવચેતીના પગલા લેવાયા છે.
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે વાવાઝોડાની અસર હેઠળ કર્ણાટકના દરિયાકાંઠા વિસ્તાર અને આંતરિક ભાગો, પૂર્વ રાજસ્થાન અને ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગો, કેરળ અને માહે, ઓડિશા, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ વિસ્તાર અને છત્તીસગઢ, કોંકણ અને ગોવા, તેલંગાણા અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે માછીમારોને આગામી દિવસોમાં સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી છે, કારણ કે દરિયાઈ પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. સરકાર અને રાહત તંત્રોને તાત્કાલિક વ્યવસ્થાઓ સજ્જ રાખવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે જેથી કોઈ જાનહાનિ કે નુકસાન ન થાય.


