પૂણે: મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી દળ (ATS) એ પૂણેમાંથી એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ જુબેર હંગરકર તરીકે થઈ છે. તેની સામે ગેરકાયદેસર ગતિવિધિ અધિનિયમ (UAPA) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. એટીએસ દ્વારા શંકાસ્પદ આતંકવાદીની આગવી ઢબે પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
મળતી માહિતી મુજબ, થોડા દિવસો પહેલાં ATSએ પૂણેના કોંડવા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન મળેલા નવા પુરાવાના આધારે જુબેર હંગરકરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સૂત્રો મુજબ, ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકીનું અલ-કાયદા સાથે જોડાણ હોવાની શક્યતા પણ તપાસ હેઠળ છે. હાલમાં ATSની ટીમ તેની સતત પૂછપરછ કરી રહી છે અને તેના નેટવર્કની ઊંડી તપાસ કરી રહી છે.
મહારાષ્ટ્ર ATSએ 9 ઓક્ટોબર, 2025ના રોજ પૂણેમાં આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા કેસમાં અનેક સ્થળોએ રેડ પાડી હતી. આ દરમિયાન ઈલેક્ટ્રોનિક ઉપકરણો, દસ્તાવેજો અને શંકાસ્પદ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલા પુરાવાના આધારે ગેરકાયદેસર ગતિવિધિ (રોકથામ) અધિનિયમ, 1967ની કલમો હેઠળ FIR નોંધાઈ હતી. આ FIR બાદ ATSએ પૂણેથી જુબેર હંગરકરની ધરપકડ કરી છે. હાલમાં કેસની આગળની તપાસ ATSની વિશેષ ટીમ કરી રહી છે.


