રાજકોટ, 31 ડિસેમ્બર 2025: Unseasonal rains in rural areas of Porbandar and Dwarka in the middle of winter શિયાળાના બે મહિનાથી વધુ સમય વિતી ગયો છતાંયે હજુ જોઈએ તેટલી ઠંડી પડતી નથી. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં કડકડતી ઠંડી અનુભવાય છે પણ શહેરી વિસ્તારોમાં બપોરના ટાણે હજુ પણ ગરમીનો અનુંભવ થઈ રહ્યો છે. ત્યારે ફરીવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેલી પરોઢે ઝાકળ સાથે ગાઢ ધૂમ્મસ બાદ આજે પોરબંદર અને દેવ ભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદના ઝાપટાં પડતા રવિપાકમાં નુકસાનીની ભીતિ છે.
સૌરાષ્ટ્રના પોરબંદર સહિત ગ્રામ્ય પંથકના વિવિધ તાલુકાના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું. જ્યારે દ્વારકા, કલ્યાણપુર અને આસપાસના ગામોમાં પણ ઝરમર વરસાદ નોંધાયો હતો. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જોકે, કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડકનો અનુભવ પણ થયો છે. ચણા-જીરું સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છ અને પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં આજે વહેલી સવારથી ઘુમ્મસભર્યુ વાતાવરણ રહ્યું હતું અને પ્રદૂષણમાં પણ વધારો જોવા મળ્યો હતો. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ, સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેશે.
હવામાનના તજજ્ઞોના કહેવા મુજબ રાજ્યમાં ફરી એકવાર માવઠાંના વરસાદની આગાહી કરવામાં આવી છે. વર્ષ 2025ની વિદાય અને 2026ની શરૂઆત વરસાદી માહોલ સાથે થવાની પૂરેપૂરી શક્યતા છે. ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD)ની અસર ગુજરાત સુધી લંબાવાની શક્યતા છે. 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026 આ બે દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયાં વરસાદી ઝાંપટાં પડી શકે છે. વરસાદી માહોલ બાદ 2 અને 3 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. કોલ્ડ વેવ આવવાની અને તીવ્ર ઠંડી પડવાની પણ શક્યતા છે. ક્લાઈમેટ ચેન્જ અને વાતાવરણમાં થતા ફેરફારોને કારણે આ વર્ષે ઠંડીમાં ઘટાડો અને માવઠાંના વરસાદમાં વધારો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને આ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.


