1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેના મરામતની કામગીરીથી વાહનોની ગતિ ધીમી પડી
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેના મરામતની કામગીરીથી વાહનોની ગતિ ધીમી પડી

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેના મરામતની કામગીરીથી વાહનોની ગતિ ધીમી પડી

0
Social Share

અમદાવાદ, 21 જાન્યુઆરી 2026:  વડોદરા- અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર મરામતનું કામ ચાલી રહ્યુ છે. છેલ્લા 20 દિવસથી મોટા પાયે રોડ રિસરફેસિંગની કામગીરી ચાલી રહી હોવાથી વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. પેચ વર્ક દૂર કરીને એક્સપ્રેસ વેને સંપૂર્ણપણે નવો બનાવવાની એટલે કે રિસરફેસ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રોડનું કામ ચાલતુ હોવાથી વાહનોની ગતિ ધીમી પડી છે.

નેશનલ હાઈવે ઓથોરિટી અને સંબંધિત વિભાગ દ્વારા વાહનચાલકોને સુચના આપવામાં આવી છે કે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને મુસાફરીના સમય કરતા અડધો કે પોણો કલાક વહેલા નીકળવું હિતાવહ છે. જો કોઈ ઈમરજન્સી હોય, તો એક્સપ્રેસ વેને બદલે નેશનલ હાઈવે 48 (જૂનો અમદાવાદ-વડોદરા હાઈવે) જેવા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો જોઈએ. જ્યાં કામ ચાલુ હોય ત્યાં અકસ્માત નિવારવા વાહન ધીમું હંકારવા ટોલ પ્લાઝા પરથી સતત સૂચના આપવામાં આવી રહી છે.

હાઈવે ઓથોરિટીના સૂત્રોના કહેવા મુજબ ગત ચોમાસા દરમિયાન એક્સપ્રેસ વે પર અનેક જગ્યાએ ખાડા પડ્યા હતા, જેને તે સમયે થીગડાં મારીને (પેચ વર્ક) કામચલાઉ રિપેર કરવામાં આવ્યા હતા. હવે આ પેચ વર્ક દૂર કરીને રોડને સંપૂર્ણપણે નવો બનાવવાની એટલે કે રિસરફેસ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સત્તાધીશોના જણાવ્યા મુજબ, આગામી ચોમાસા પહેલા આ 39 કિલોમીટરના પટ્ટાનું કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.  હાલમાં જે પટ્ટામાં કામ ચાલી રહ્યું છે ત્યાં વાહનોને ‘વન વે’ અથવા સિંગલ લાઈનમાંથી પસાર કરવામાં આવી રહ્યા છે. આ કારણે 100ની ઝડપે દોડતા વાહનોની ગતિ ધીમી પડી છે. મુસાફરોને નિર્ધારિત સમય કરતા 30 થી 45 મિનિટ (પોણો કલાક) મોડું થઈ શકે છે. દરેક ટોલ પ્લાઝા પર આ અંગેના સૂચના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code