અમે ચૂંટણી હાર્યા નથી, હું રાજીનામું નહીં આપુંઃ મમતા બેનરજી
કોલકાતા, 5 મે, 2026 – અમે ચૂંટણી હાર્યા નથી અને એટલે લોકભવન જઈને મારું રાજીનામું નહીં આપું તે મમતા બેનરજીએ આજે જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામના એક દિવસ પછી આજે મંગળવારે મમતા બેનરજીએ ગંભીર આક્ષેપોનો મારો ચલાવ્યો છે. કોલકાતામાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે ચૂંટણીપંચ અને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા.
મમતા બેનરજીએ ભારતના ચૂંટણીપંચને આ ચૂંટણીના વિલન તરીકે ચીતરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે, અમારી લડાઈ ભાજપ સાથે નહોતી પરંતુ ચૂંટણીપંચ સાથે હતી. સુશ્રી બેનરજીએ ઉમેર્યું કે, વાસ્તવમાં ચૂંટણીપંચે એક તરફી કામગીરી કરી છે.
થોડા દિવસમાં ભૂતપૂર્વ બની જનાર મુખ્યમંત્રી મમતા બેનરજીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, તેમની ઓછામાં ઓછી 100 બેઠકો ભાજપે લૂંટી લીધી છે. ભવાનીપૂરથી પોતાની બેઠક પણ નહીં બચાવી શકેલા મમતાજીએ કહ્યું કે, ગઈકાલે સોમવારે પરિણામ પછી અમારી ટીએમસીની ઑફિસ ઉપર કબજો કરવાનો પણ પ્રયાસ થયો હતો.
આ પણ વાંચોઃ બંગાળમાં સત્તા હસ્તાંતરણ પૂર્વે સચિવાલયમાં લોખંડી બંદોબસ્ત, સરકારી દસ્તાવેજોની સુરક્ષાનો આદેશ
તેમણે તો આગળ વધીને એવો પણ આક્ષેપ કર્યો કે, પોતે ગઈકાલે મતગણતરી દરમિયાન મતગણતરી કેન્દ્રમાં ગયા ત્યારે તેમની સાથે ધક્કામુક્કી કરવામાં આવી હતી.
ટીએમસી નેતાએ કહ્યું કે, પોતે કદી આવી ચૂંટણી જોઈ નથી. તેમણે પશ્ચિમ બંગાળનાં પરિણામોને કાળા ઇતિહાસ તરીકે પણ ઓળખાવ્યા.
તેમના દાવા અનુસાર સમગ્ર ઈન્ડી ગઠબંધન તેમની સાથે છે. અમે ફરી વિજેતા બનીશું એવો દાવો પણ મમતા બેનરજીએ કર્યો છે.
મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે ગઈકાલે સોનિયાજી અને રાહુલે મને ફોન કર્યો હતો. અખિલેશ, તેજસ્વી, કેજરીવાલ અને હેમંતે પણ મને ફોન કર્યો હતો. INDI બ્લોકની એકતા મજબૂત છે. અખિલેશ આવતીકાલે કોલકાતા આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપે જીતવા માટે દરેક પેંતરાનો ઉપયોગ કર્યો હતો. તમામ મશીનરી બદલી નાખવામાં આવી હતી. ઈન્ડિ ગઠબંધન સંપૂર્ણપણે મારી સાથે છે. અમે ચૂંટણીમાં આવી અરાજકતા ક્યારેય જોઈ નથી.
તેમણે કહ્યું, ‘હું એક આઝાદ પક્ષી છું. મેં મારું આખું જીવન સેવામાં સમર્પિત કરી દીધું છે’. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ‘મારી બેઠક માટે ગણતરીના 5 રાઉન્ડ બાકી હતા. ભાજપના લોકો ગુંડાઓ સાથે અંદર ઘૂસી આવ્યા અને તેમણે ટીએમસીના એજન્ટોને ધમકાવ્યા અને માર્યા’.


