નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર 2026: નીતિ આયોગના ‘ઈન્ડિયા ઈલેક્ટ્રિક મોબિલિટી ઈન્ડેક્સ-2025’માં ઈલેક્ટ્રિક મોબિલિટી અપનાવવાની બાબતમાં દિલ્હી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ઉભરી આવ્યું છે. ત્યારબાદ મહારાષ્ટ્ર, કર્ણાટક, ચંદીગઢ અને ગોવાનો ક્રમ આવે છે. નીતિ આયોગ દ્વારા આજે નવી દિલ્હીમાં આ ઈન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ઉપ-રાષ્ટ્રીય સ્તરે ઈ-મોબિલિટી માટેની નીતિગત રૂપરેખા અને અમલીકરણના પરિણામોની વિગતો આપવામાં આવી છે.
નીતિ આયોગના સભ્ય રાજીવ ગૌબાએ જણાવ્યું હતું કે ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્ય માટે ઇલેક્ટ્રિક મોબિલિટી તરફનું પરિવર્તન આર્થિક, પર્યાવરણીય અને વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. શ્રી ગૌબાએ નોંધ્યું હતું કે 2040 સુધીમાં તમામ નવી કારના વેચાણમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 40 ટકા હશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે 2025માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા મેળવવામાં આવેલો સર્વોચ્ચ સ્કોર 84 હતો, જે 2024માં 77 હતો.
ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ 16 પરિમાણોના આધારે પરિવહન વીજળીકરણ, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇલેક્ટ્રિક વાહન સંશોધન અને નવીનતામાં પ્રગતિનું મૂલ્યાંકન કરે છે.
વધુ વાંચો: નેપાળમાં ભૂકંપના બે આંચકાથી ગભરાટ, એક જ દિવસમાં બે વાર ધ્રૂજી ધરતી


