ગાંધીનગર, 22 ઑક્ટોબર, 2026 – Congress has no right to make statements on the Narmada ગુજરાત કોંગ્રેસના પ્રભારીએ રાજકોટ ખાતે જો નર્મદાનું પાણી રાજકોટમાં ન આવે તો 48 કલાકથી વધારે ચાલે તેટલો પાણીનો સંગ્રહ નથી તેવું ગેરમાર્ગે દોરતું નિવેદન કર્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પૂર્ણ ન થાય તે માટે કોઈ કસર બાકી ન રાખનારી કોંગ્રેસને પાણી અને નર્મદા મુદ્દે બોલવાનો કોઈ હક નથી તેમ ભાજપના નેતા શ્રી ઘનશ્યામભાઈ ગઢવીએ આજે કહ્યું હતું.
શ્રીકમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્રમાં પાણીના વિષય પર નિવેદન કરવાનો પણ કોંગ્રેસને કોઈ હક નથી. એક સમય હતો કે સૌરાષ્ટ્ર અને કચ્છ પાણી માટે તરસતાં હતાં પણ કોંગ્રેસની સરકાર ડેમના દરવાજા લગાવવા મંજૂરી નહોતી આપતી.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશના પ્રધાનમંત્રી બન્યા, ત્યારબાદ તેમણે ૧૭ માં દિવસે જ નર્મદા ડેમની ઊંચાઈ 138 મીટર સુધી પહોંચાડવાનું અને વર્ષોથી જે મંજૂરી નહોતી અપાતી, તે દરવાજા નાખવાની મંજૂરી આપવાનું કાર્ય કર્યું હતું. ગુજરાતની તરસી ધરતી અને ગુજરાતના નાગરિકો પાણીથી વંચિત ન રહે તેની ચિંતા ભાજપની સરકાર અને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી અને ગુજરાતને પાણીદાર બનાવ્યું છે.
શ્રી ઘનશ્યામભાઈ ગઢવીએ કોંગ્રેસના શાસનમાં પાણીની તકલીફ અંગે જણાવાયું હતું કે, કોંગ્રેસના શાસનમાં કહેવાતું કે દીકરીને બંદૂકે આપજો, પણ ધંધુકે ન આપતા. ભાલથી લઈને સૌરાષ્ટ્ર-કચ્છ સુધી સૂકો અને પાણી માટે તરસતો વિસ્તાર હતો. ધોલેરાને જો દુનિયાના નકશામાં મૂકવાનું કામ કોઈએ કર્યું હોય તો તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપની સરકારે કર્યું છે. એક સમય હતો કે ઉનાળાની શરૂઆતમાં સૌરાષ્ટ્ર-કચ્છના રસ્તાઓ પર માલધારીઓ હિજરત કરતા. આજે અમદાવાદથી જઈએ તો કચ્છ સુધીનો વિસ્તાર હરિયાળો બન્યો છે. તે ભાજપ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિને કારણે શક્ય બન્યું છે.
તેમણે કહ્યું કે, એક સમયે અમદાવાદથી પાણીની ટ્રેનો ભરીને રાજકોટ મોકલવામાં આવતી હતી. પાણીના સંગ્રહ માટે કોઈ વ્યવસ્થા નહોતી. આજે સૌની યોજના દ્વારા ગુજરાતના 125 જેટલા ડેમો પાણીથી ભરવામાં આવે છે. 4 હજારથી વધારે ચેકડેમો ભરવામાં આવે છે. નળ સે જળ યોજના અંતર્ગત ઘરે-ઘરે લોકોને નળ દ્વારા જળ પહોંચાડવાની યોજના પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાને સાકાર કરવાનું કામ દેશ અને ગુજરાતમાં ભાજપની સરકારે કર્યું છે.
શ્રી ઘનશ્યામભાઈ ગઢવીએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસના પ્રભારીનું કામ ગુજરાતમાં મૃતપ્રાય અવસ્થામાં પડેલી, મૃતશૈયા પર સૂતેલી કોંગ્રેસના સંગઠનને બેઠું કરવાનું છે. તેના સ્થાને તેમણે ગુજરાતને સમજ્યા વગર, ઇતિહાસ અને ભૂગોળ જાણ્યા વગર ગુજરાતની જનતા, ખાસ કરીને સૌરાષ્ટ્રની જનતામાં પેનિક ઊભું કરવાનું કામ કર્યું છે. ગુજરાતની જનતાનો સૌથી વધુ દ્રોહ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના સમયમાં ગુજરાત ટેન્કર રાજ તરીકે ઓળખાતું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં, કપાસ અને મગફળીનું બમ્પર ઉત્પાદન નર્મદા ડેમ અને સૌની યોજના દ્વારા આપેલા પાણી થકી થાય છે. ગુજરાતનો કપાસ આજે વિદેશમાં પહોંચ્યો છે. આજે દુનિયાના દેશોમાં ગુજરાતમાંથી કપાસની નિકાસ થાય છે. આજે કચ્છની કેસર કેરી વિદેશ સુધી પંહોચી છે. કોંગ્રેસના સમયમાં કોઈ કર્મચારીની ભુજમાં બદલી થાય તો તેને સજા મળી હોવાનું કહેવાતું હતું, જ્યારે આજે અહીં રહેવાની ઉત્તમ સુવિધાઓ મળે છે.
તેમણે કોંગ્રેસના નેતાઓને સંગઠનના નેતાઓને જનતાને ગેરમાર્ગે ન દોરવાની અને નિષ્ક્રય સંગઠનને મજબૂત કરવા પર ધ્યાન આપવા સલાહ આપી હતી. કોંગ્રેસ લોકોને ભ્રમિત કરવાનું જ કામ કરે છે માટે કોંગ્રેસ આજે પણ ગુજરાતની જનતાનો વિશ્વાસ મેળવી શકતી નથી. કોંગ્રેસના નેતાઓ કામ ન કરવું અને વાતો વધારે કરવી તે માટે પંકાયેલા છે તેમ તેમણે જણાવ્યું હતું.


