- ગાંધીનગરસ્થિત PDEUના ડિરેક્ટર જનરલ ખ્રિસ્તી મિશનરીની જેમ વર્તી રહ્યા હોવાના અને યોગ્યતા ધરાવતા ગુજરાતી વિદ્વાનોને સ્થાને અન્ય રાજ્યોના ખ્રિસ્તી પ્રાધ્યાપકોને ગોઠવવામાં આવી રહ્યા હોવાની ગંભીર ફરિયાદો ઊઠી
- PDEUના ડિરેક્ટર જનરલ સોલોમન સુંદર મનોહરન ઉપર કરોડો રૂપિયાના ગોટાળાના પણ આક્ષેપ થઈ રહ્યા છે
- આ વર્ષે માર્ચ મહિનામાં પણ આ ગંભીર આક્ષેપોના અહેવાલ પ્રકાશિત થયા હતા છતાં કોઈ પગલાં નહીં લેવાતા યુનિવર્સિટીનું ખ્રિસ્તીકરણ બેખોફ ચાલુ રહ્યું
- શું આ બધી બાબતોથી સંસ્થાના ચેરપર્સન અજાણ છે?
રિવોઈ એક્સક્લુઝિવઃ વીરસિંહ ભાટી, 16 નવેમ્બર, 2026 – રાજ્યના પાટનગર ગાંધીનગરમાં, રાજ્ય સરકારના નાક નીચે જ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU)માં ગુજરાતી મૂળના લાયક અને યોગ્યતા ધરાવતા પ્રાધ્યાપકોની યોગ્ય માત્રામાં ભરતી થતી નથી, આ યુનિવર્સિટીમાં તેના ડિરેક્ટર જનરલની રહેમ નજરથી ભ્રષ્ટાચાર ફૂલી-ફાલી રહ્યો છે અને તેથી આગળ વધીને અંબાણી સામ્રાજ્યના મોભી સન્માનનીય શ્રી મુકેશ અંબાણીની આ યુનિવર્સિટીમાં ધર્માંતરનો ખેલ ચાલી રહ્યો છે. આ બધું અમે નથી કહેતા, પરંતુ પીડીઈયુમાંથી બહાર આવી રહેલા અહેવાલ દ્વારા સ્પષ્ટ થાય છે.
મળતી વિશ્વાસપાત્ર વિગતો અનુસાર, PDEUના ડિયરેક્ટર જનરલ ડૉ. સોલોમન સુંદર મનોહરનના નેતૃત્વ હેઠળ હિન્દુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે. આ ડીજી ખ્રિસ્તી કર્મચારીઓને પ્રાથમિકતા આપીને, હિન્દુ તહેવારો પર મર્યાદાઓ લાદીને અને હિન્દુ પરંપરાઓને બાજુ પર મૂકીને કેમ્પસમાં ખ્રિસ્તીકરણને પ્રોત્સાહન આપી રહ્યા છે.
ડૉ. સોલોમન જ્યારથી પીડીઈયુના ડીજી બન્યા લગભગ ત્યારથી જ તેનું “મિશન” શરૂ થઈ ગયું હતું. આ વિશે અગાઉ પણ મીડિયા ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. પીડીઈયુમાં હિન્દુ તહેવારોના બજેટ ઉપર કાપ સહિત હિન્દુત્વ વિરોધી ગતિવિધિઓને કારણે આ મામલો અતિશય સંવેદનશીલ બની જતાં હિન્દુફોબિયા ટ્રેકર દ્વારા પણ તેની નોંધ લેવામાં આવી છે.
માર્ચમાં વાયરલ થયો હતો પત્રઃ
આ મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે યુનિવર્સિટીની અંદરની સ્થિતિનું વર્ણન કરતો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો. પત્રમાં હિન્દુ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે કેવી રીતે તેમના હિન્દુ તહેવારો મર્યાદિત કરવામાં આવ્યા, તેમની પરંપરાઓને હાંસિયામાં ધકેલવામાં આવી અને યુનિવર્સિટીના કાર્યક્રમોમાં ખ્રિસ્તી મિશનરીનો પ્રભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.
વાંચો એ પત્ર અહીં –


પત્ર અનુસાર, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU)ના ડિરેક્ટર જનરલ ડૉ. સોલોમન સુંદર મનોહરન એક સક્રિય ખ્રિસ્તી મિશનરી છે. તેઓ ગાંધીનગર અને અમદાવાદની વિવિધ ચર્ચો અને ઘરોમાં યોજાતી પ્રાર્થના સભાઓમાં ખ્રિસ્તી પ્રચારક તરીકે કામ કરતા રહ્યા છે.
સોલોમન સુંદર મનોહરન પીડીઈયુમાં જોડાયા તે પહેલાં ખ્રિસ્તી પ્રચારક તરીકેની તેમની કામગીરીનો વીડિયો પણ ઉપલબ્ધ છે.
જુઓઃ
માર્ચમાં વાયરલ થયેલા આ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રાધ્યાપકોની ભરતી અને બઢતીમાં ખ્રિસ્તી કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે, જ્યારે ગુજરાતીઓ અને ખાસ કરીને હિન્દુ સ્ટાફ અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને વહીવટી બાબતોમાં ભેદભાવનો સામનો કરવો પડે છે.


ગંભીર અને ચિંતાજનક સ્થિતિઃ
આ અને આવી બીજી અનેક બાબતોને પગલે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં નારાજગી ફેલાઈ રહી છે. તેઓ એવો ડર વ્યક્ત કરી રહ્યા છે કે યુનિવર્સિટીનો ઉપયોગ ધર્માંતરણ અને મિશનરી પ્રવૃત્તિ માટેના પ્લેટફોર્મ તરીકે થઈ રહ્યો છે.
ગાંધીનગરની પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીની અંદર એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે જ્યાં હિન્દુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ભેદભાવપૂર્ણ વર્તન અને તેમની ધાર્મિક ઓળખની અભિવ્યક્તિ પર પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી વિરુદ્ધ અન્ય ધર્મના પ્રભાવને દેખીતી રીતે સંસ્થાકીય ધોરણે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, પરિણામે આ કેસને ‘હિન્દુફોબિયા ટ્રૅકર‘માં પણ સામેલ કરવામાં આવ્યો છે.
યુનિવર્સિટી એક એવું શૈક્ષણિક કેન્દ્ર છે જ્યાં તમામ પૃષ્ઠભૂમિના વ્યક્તિઓ ધાર્મિક પક્ષપાત અથવા દબાણના ભય વિના શિક્ષણ મેળવી શકે. જ્યારે એક સમુદાયની ધાર્મિક પ્રથાઓને દબાવવા માટે વહીવટી સત્તાનો ઉપયોગ કરવામાં આવે અને સામે બીજાના પ્રભાવને પ્રોત્સાહન આપવામાં આવે ત્યારે સંસ્થાની તટસ્થતા સામે પ્રશ્ન ઊભા થાય છે.
ડીજી સોલોમનનો ભૂતકાળ શું છે? કેટલા ખ્રિસ્તી ફેકલ્ટીને ભર્યા અને ગુજરાતીઓ સાથે કેવો અન્યાય થઈ રહ્યો છે? સોલોમન સુંદર મનોહરન ઉપર કરોડોના ગોટાળાના શું આક્ષેપ છે? ડીજી સોલોમને પીડીઈયુની લૉ સ્કૂલની જવાબદારી કોને સોંપી છે? ડૉ. સોલોમનના સમયગાળામાં કેટલા પ્રોજેક્ટ નિષ્ફળ ગયા અને તેને કારણે યુનિવર્સિટીને કેટલા કરોડનો ચૂનો લાગ્યો? પીડીઈયુના વડા સોલોમન અને જેજી ઈન્ટરનેશનલના જ્હોન જી. વર્ગીસ વચ્ચે શું રંધાઈ રહ્યું છે? યુનિવર્સિટીના અમુક વિભાગોમાં, અમુક જગ્યાઓ પર માત્ર ચોક્કસ વ્યક્તિઓ સિવાય કેમ કોઈને જવા દેવામાં નથી આવતા? ઈસરોએ ડીજી સોલોમન પ્રત્યે શા માટે નારાજગી વ્યક્ત કરી હતી? શું એ વાત સાચી છે કે, તાજેતરમાં જ બે ગુજરાતી સ્કૉલર પ્રાધ્યાપકો કાયમી ન બની શકે એ માટે ડૉ. સોલોમને નિયમોમાં ફેરફાર કરી દીધા, જેને કારણે એ પ્રાધ્યાપકોએ સંસ્થા છોડી દીધી?
(આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા વાંચો વિગતે આવતીકાલે…)
♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦








