
- સોસાયટીઓમાં બંધ પડેલા બોરવેલ ચાલુ કરવા મ્યુનિ. મદદ કરશે
- ચોમાસા પહેલા વિકાસકાર્યો પૂર્ણ કરવા તાકીદ
- એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વના નિર્ણયો લોવાયા
અમદાવાદઃ એએમસીની સ્ટેન્ડિગ કમીટીની બેઠકમાં શહેરમાં વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં પ્રિ-મોન્સુનની કામગીરીની ચર્ચા કરીને ચોમાસા પહેલા તમામ કામો પૂર્ણ કરવા સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં ફાયર સ્ટેશન બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી અને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે, જેમાં દર 10 કિલોમીટરે એક ફાયર સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં RMC પ્લાન્ટ, બોરવેલ અને શહેર વ્યવસ્થાપન માટે ચોમાસા પહેલાની તૈયારીથી લઈને શહેરમાં ફાયર સ્ટેશન બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી અને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે. આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, શહેરની સોસાયટીઓમાં વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તે માટે, જે સોસાયટીમાં બોરવેલ બંધ હાલતમાં છે તે તમામ બોરવેલને ફરી ચાલુ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન મદદ કરશે. બંધ રહેલા બોરવેલ ચાલુ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરવાની રહેશે.
આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં બાંધકામ સાઈટની બાજુમાં રેસીડેન્સીયલ વિસ્તારમાં RMC પ્લાન્ટ બિલ્ડરો દ્વારા બનાવવામાં આવતા હોય છે. આ તમામ RMC પ્લાન્ટને હવે શહેરની બહાર ખસેડવા માટેની સૂચના આપવામાં આવી છે. બાંધકામ સાઇટની બાજુમાં જ બનાવેલ RMC પ્લાન્ટથી થતા પ્રદૂષણના કારણે આજુબાજુમાં લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. આથી નાના ચિલોડા, હેબતપુર અને ભાડજ જેવા દૂર વિસ્તારમાં આ પ્લાન્ટ લગાવવાની સૂચના આપવામાં આવી છે. તેમજ શહેરના દર દસ કિલોમીટરના વિસ્તારમાં ફાયર સ્ટેશન બનાવી અને સ્ટાફની ભરતી કરવા સૂચના આપવામાં આવી છે. તાજેતરમાં જ ઇન્દિરા બ્રિજ સર્કલ પાસે આવેલા ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની હતી. પરંતુ આસપાસમાં ફાયર સ્ટેશન ન હોવાથી દૂરના ફાયર સ્ટેશનની મદદ લેવી પડી હતી. આવનારા સમયમાં શહેરમાં દર દસ કિલોમીટરમાં ફાયર સ્ટેશન બનાવવા જગ્યા શોધી અને ઝડપી ટેન્ડર પ્રક્રિયા માટે સૂચના અધિકારીઓને આપવામાં આવી છે. શહેરમાં અત્યારે કુલ 25 જેટલા ફાયર સ્ટેશન છે અને નવા પાંચ જેટલા ફાયર સ્ટેશન બની રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચોમાસાને ધ્યાનમાં રાખીને શહેરમાં ચાલી રહેલા કામોને 15 જૂન સુધીમાં પૂરા કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત જૂન સુધી જે કામગીરી થાય તે કરવી અને બાદમાં જો વરસાદ શરૂ થાય તો કામગીરી તત્કાલ બંધ કરી દેવાની પણ સૂચના આપવામાં આવી છે. શહેરમાં અત્યારે કેટલીક જગ્યાએ ડ્રેનેજ કે પછી ટ્રીટેડ વોટર કે પછી રોડના કામો ચાલી રહ્યા છે. આ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવશે.