
મુંબઈઃ મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી ગઈ છે. કેરળના કોચીથી મુંબઈ આવી રહેલ એર ઈન્ડિયાનું વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પર લપસી ગયું હતું. ભારે વરસાદને કારણે થયેલા આ અકસ્માતમાં વિમાનના ત્રણેય ટાયર ફાટી ગયા હતા. રાહતની વાત એ છે કે તમામ મુસાફરો સુરક્ષિત છે. જ્યારે આ ઘટના બની તે સમયે મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે લેન્ડિંગ ખૂબ જ પડકારજનક હતું અને તેના કારણે ફ્લાઇટ- AI2744 રનવે પર લપસી ગઈ હતી.
એર ઈન્ડિયાએ આ ઘટના વિશે કહ્યું કે તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યા છે. એરલાઈનના પ્રવક્તાએ કહ્યું, ’21 જુલાઈના રોજ, કોચીથી મુંબઈ જતું વિમાન AI2744 મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન રનવે પર લપસી ગયું હતું. વિમાન સુરક્ષિત રીતે ગેટ પર પહોંચ્યું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તપાસ માટે વિમાનને અસ્થાયી રૂપે ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે.’
છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) એ પણ આ ઘટના પર એક નિવેદન જારી કર્યું છે. CSMIA એ જણાવ્યું હતું કે, ’21 જુલાઈ 2025 ના રોજ સવારે 9:27 વાગ્યે, કોચીથી આવી રહેલ એક વિમાન મુંબઈ એરપોર્ટના રનવે પર ઉતરતી વખતે લપસી ગયું હતું. ઘટના પછી તરત જ, CSMIA ની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બધા મુસાફરો અને ક્રૂ સભ્યોને તાત્કાલિક વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તે બધા સુરક્ષિત છે. મુખ્ય રનવે 09/27 ને નજીવું નુકસાન થયું હોવાની જાણ કરવામાં આવી છે. કામગીરી ચાલુ રાખવા માટે, સેકન્ડરી રનવે 14/32 ને સક્રિય કરવામાં આવ્યો છે. CSMIA પર સલામતી હંમેશા અમારી ટોચની પ્રાથમિકતા છે.’