
- મેડિકલમાં પ્રવેશ માટે બી ગૃપના વિદ્યાર્થીઓએ નીટના પરિણામની રાહ જોવી પડશે,
- એન્જિનિયરિંગની 70,000 બેઠકો સામે A ગ્રુપના 34,000 વિદ્યાર્થીઓ
- આ વખતે કોમ્પ્યુટર, AI, સહિતની બ્રાન્ચમાં પ્રવેશનો સૌથી વધુ ક્રેઝ રહેશે
અમદાવાદઃ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરાયા બાદ હવે કોલેજોમાં પ્રવેશની મોસમ શરૂ થશે. હાલ ઈજેનેરી સહિત વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ મેરીટના ધોરણે પસંદગીની વિદ્યાશાખાઓ અને કોલેજોમાં પ્રવેશ ફાળવવામાં આવશે. જ્યારે મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગતા બી ગ્રુપના વિદ્યાર્થીઓને NEETના પરિણામની રાહ જોવી પડશે, પરંતુ A ગ્રુપના વિદ્યાર્થીઓ કે જેઓ JEE પાસ થઈ ગયા છે અને ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માંગે છે તેવા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
ગુજરાતમાં 16 સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં ઇજનેરીની 10થી વધુ વિદ્યાશાખાઓમાં 70,000 બેઠકો ઉપલબ્ધ છે. જેની સામે A ગ્રુપના વિદ્યાર્થીઓની સંખ્યા 34,000 જેટલી છે. એટલે તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ 50 ટકા બેઠકો ખાલી રહેવાની શક્યતા છે. દર વર્ષની જેમ આ વખતે પણ ઈજનેરીમાં કોમ્પ્યુટર બ્રાન્ચ ટોપ પર રહેવાની શક્યતા છે. જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સાયન્સ, સાયબર સિક્યુરિટી અને બાયો ઈન્ફોર્મેટિક્સની સાથે રોબોટિકસ ઈજનેરીમાં પ્રવેશનો ક્રેઝ વધુ રહે તેવી શક્યતા છે. ગત શૈક્ષણિક વર્ષમાં સરકારી ઈજનેરી કોલેજની આશરે 10,000 બેઠકોમાંથી 90%થી વધારે સીટ ભરાઈ ગઈ હતી. જ્યારે ખાનગી ઈજનેરી કોલેજોમાં 60,000 બેઠકમાંથી 50% બેઠકો ભરાઈ હતી.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓ બીએ, બીકોમ, બી. એસસી.માં એડમિશન માટે 15 સરકારી તેમજ ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લઈ શકે છે. જોકે, સરકારી અને ગ્રાન્ડેટ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત છે. આ વખતે પણ બીસીએ અને બીબીએના અભ્યાસ માટેનો ક્રેઝ યથાવત્ રહેવાની શક્યતા છે. જ્યારે આર્ટસ ફેકલ્ટીમાં ફાઇન આર્ટ્સ, પેઇન્ટ એપ્લિકેશન, લેંગ્વેજીસ, ક્રિએટિવ રાઈટિંગ, સિનેમેટોગ્રાફી, વોકેશનલ રીહેબિલિટેશન એન્ડ કાઉન્સેલિંગની સાથે વિશેષ કારકિર્દીમાં ફેશન ટેક્નોલૉજી એન્ડ ટેક્સટાઇલ ડિઝાઇન, ડિરેક્શન (દિગ્દર્શન), એડિટિંગ (સંપાદન), પ્રોડક્શન, એનિમેશનના કોર્સ ઉપલબ્ધ છે.