ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર યુવક-યુવતી, જેઓ ઈરાનમાં બંધક બનાવાયા હતા, તે આખરે સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે. આ ચારેય વ્યક્તિઓ ઓસ્ટ્રેલિયા જવાની કોશિશમાં માનવ તસ્કરોની જાળમાં ફસાયા હતા. વિદેશમાં થયેલી આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી હતી, જ્યારે પોલીસે હવે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, પીડિતોમાં અજયકુમાર કાંતિભાઈ ચૌધરી (ઉ.વ. 31), પ્રિયાબેન અજયકુમાર ચૌધરી (ઉ.વ 25), અનિલકુમાર રાઘજીભાઈ ચૌધરી (ઉ.વ 35) અને નીખિલકુમાર રમણભાઈ ચૌધરી (ઉ.વ 28)નો સમાવેશ થાય છે. આ ચારેય 19 ઓક્ટોબરના રોજ માણસાથી દિલ્હી માટે નીકળ્યા હતા અને ત્યારબાદ બેંકોક તથા દુબઈ મારફતે એમિરેંટ્સ એરલાઇન્સ દ્વારા તેહરાન પહોંચ્યા હતા. ત્યાં ઈમામ ખોમૈની આંતરરાષ્ટ્રીય વિમાનમથકે ‘બાબા’ નામના વ્યક્તિએ તેમનું અપહરણ કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અપહરણકર્તાઓએ પીડિતોના પરિવારજનો પાસેથી લગભગ બે કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. પરિવારજનોને ઈરાનમાંથી મોકલાયેલા વીડિયોમાં ચારેય પીડિતોને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવી રહ્યો હોવાનું દેખાતું હતું. આ ગંભીર પરિસ્થિતિ બાદ માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી, જેથી પીડિતોની સલામત વાપસી સુનિશ્ચિત થઈ શકે છે.
કેન્દ્ર તથા રાજ્ય સ્તરે થયેલા પ્રયત્નો બાદ અંતે ચારેય લોકોને ઈરાનમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા અને તેઓ સુરક્ષિત રીતે અમદાવાદ પરત ફર્યા છે. ગાંધીનગર પોલીસ દ્વારા કાનૂની અને વહીવટી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસ ચારેય પાસેથી વિગતવાર પૂછપરછ કરી રહી છે, જેથી સમગ્ર ઘટનાક્રમની હકીકત બહાર આવી શકે અને માનવ તસ્કરી ગેંગનો પર્દાફાશ થશે. પોલીસનું કહેવું છે કે આવા કેસોમાં સંકળાયેલા એજન્ટો સામે જલ્દી મોટી કાર્યવાહી થશે.
ધારાસભ્ય જે.એસ. પટેલે જણાવ્યું કે તેમના વિસ્તારમાંના ત્રણ યુવક અને એક યુવતી ઓસ્ટ્રેલિયા જવા માટે એક એજન્ટના સંપર્કમાં આવ્યા હતા. એજન્ટે તેમને વિવિધ દેશોના માર્ગે ઈરાન પહોંચાડ્યા, જ્યાં તેમનું અપહરણ થઈ ગયું. બાપુપુરાના સરપંચ પ્રકાશ ચૌધરીએ જણાવ્યું કે ગામમાં રાત્રે મોડે આ માહિતી મળતા જ ગૃહ પ્રધાન સુધી વાત પહોંચાડવામાં આવી હતી. સરકાર તથા સંબંધિત એજન્સીઓના સતત પ્રયાસો બાદ આખરે ચારેયની સલામત મુક્તિ શક્ય બની.


