
ચૂંટણી પહેલા બિહાર સરકારનો મહત્વનો નિર્ણય, દરેક પરિવારને 100 યુનિટ સુધી મફત વીજળી મળશે
પટણાઃ બિહારમાં નીતિશ સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વનો નિર્ણય લઈને 100 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને નાણા વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના સામાન્ય નાગરિકોને રાહત આપવા અને સરકારની લોકપ્રિયતા વધારવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવ્યું છે.
એવું માનવામાં આવે છે કે, આ જાહેરાત ખાસ કરીને ગ્રામીણ અને મધ્યમ વર્ગના મતદારોને આકર્ષિત કરી શકે છે. વિપક્ષના નેતા તેજસ્વી યાદવે વચન આપ્યું છે કે જો બિહારમાં મહાગઠબંધન સરકાર બનશે, તો તેઓ દરેકને 200 યુનિટ મફત વીજળી આપશે. હવે તેજસ્વીના આ વચનની સામે નીતિશ સરકાર પહેલાથી જ 100 યુનિટ મફત વીજળી આપવા જઈ રહી છે.
વીજળીની જાહેરાત પહેલા, મુખ્યમંત્રી નીતિશ કુમારે સામાજિક સુરક્ષાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. તેમણે દર મહિને વધેલી 1100 રૂપિયાની પેન્શન રકમનો પહેલો હપ્તો ડીબીટી દ્વારા વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને દિવ્યાંગજનો સહિત 1.11 કરોડ લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો. છ અલગ અલગ પેન્શન યોજનાઓ હેઠળ કુલ 1227 કરોડ રૂપિયાથી વધુની રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 24 જૂને બિહાર સરકારે પેન્શન રકમ 400 રૂપિયાથી વધારીને 1100 રૂપિયા કરી હતી.