
- હજુ 3 લોકો ગુમ હોવાથી શોધખોળ જારી,
- દુર્ઘટનાના 30 કલાક બાદ ગુમ 3 લોકો ન મળતાં તેમનાં પરિવારજનોની હિંમત ખૂટી,
- જવાબદાર સામે સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો નોંધવા માગ
અમદાવાદઃ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહીસાગર નદી પરનો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ ગઈકાલે બુધવારે વહેલી સવારે તૂટી પડ્યો હતો, આ દૂર્ઘટનામાં બે ટ્રક, બે પિકઅપ અને એક રિક્ષા સહિતના વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યાં હતાં. ગત મોડીરાતથી SDRF, NDRF અને ફાયરબ્રિગેડ સહિત 10થી વધુ એજન્સીઓની ટીમો દ્વારા બચાવ અને રાહતકાર્ય ચાલી રહ્યું છે. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક 16એ પહોંચ્યો છે. હજુ પણ ત્રણથી ચાર વ્યક્તિઓની ભાળ મળી નથી. તેમના પરિવારજનો નદીંકાંઠે બેસીને પોતાના સ્વજન મળે તેની રાહ જોઈ રહ્યા છે. દુર્ઘટનાને 30 કલાકથી વધુ સમય વીતવા છતાં પણ ગુમ 3 લોકો ના મળતાં તેમનાં પરિવારજનોની હિંમત ખૂટી ગઈ છે.
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ બુધવારે તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 16 લોકોના મોત નીપજ્યાં છે. ત્યારે આ ઘટનામાં તપાસ માટે માર્ગ અને મકાન વિભાગના 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે. ત્યારે કમિટી આજે સાંજ સુધીમાં પ્રાથમિક રોપિર્ટ સોંપે તેવી શક્યતા છે. આ દુર્ઘટનામાં મૃત્યુનો આંકડો 16 પર પહોંચ્યો છે, આજે વહેલી સવારે NDRFના સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો, જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો છે. હજુપણ 4 લોકો ગુમ હોવાનું કહેવાય છે. અને નદીમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ગુમ થયેલા 3 લોકોના પરિવારજનો નદીંકાંઠે બેસીને પોતાના સ્વજન મળે તેની રાહ જોઈ રહ્યા છે. દુર્ઘટનાને 30 કલાકથી વધુ સમય વીતવા છતાં પણ સ્વજનોની ભાળ ન મળતા તેમનાં પરિવારજનોની હિંમત ખૂટી ગઈ છે. આ દૂર્ઘટના સામે રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે. દુર્ઘટનાને લઈને જવાબદાર સામે સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો નોંધવા પાદરા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે. દુર્ઘટનાને નજરે જોનારા અનેક લોકોએ સમગ્ર મામલે આપવીતી જણાવી હતી.
વડોદરાના મુજપુર ગામના એક જ પરિવારના ત્રણ સભ્યના આ દુર્ઘટનામાં મોત નીપજ્યાં છે. પિતા, દીકરો અને દીકરીની એક સાથે અંતિમયાત્રા નીકળતાં મુજપુર ગામ હિબકે ચડ્યું હતું. પિતા રમેશભાઈ, દીકરો નૈતિક અને દીકરી વૈદિકા ત્રણેય બગદાણા બાધા પુરી કરવા જતાં હતાં અને રસ્તામાં જ કાળને ભેંટી ગયા હતાં.