નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં અંતિમ શ્વાસ લઈ રહેલા આતંકવાદને જીવંત રાખવા માટે પાકિસ્તાન ફરી એકવાર માદક પદાર્થોની હેરફેર દ્વારા નાપાક હરકત કરી રહ્યો છે. પરંતુ ભારતીય સુરક્ષા દળોએ તેની આ કોશિશને ફરી નિષ્ફળ બનાવી છે. વહેલી સવારે જમ્મુ વિભાગના આરએસપુરા સેક્ટરમાં સુરક્ષા દળોએ પાંચ કિલો હેરોઈન ઝડપી પાડ્યું હતું.
મળતી માહિતી મુજબ, ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પાસે આવેલા બિધીપુર જટ્ટા ગામના ધાનના ખેતરથી આ હેરોઈનની મોટો જથ્થો મળી આવ્યો હતો. નોંધનીય છે કે આ સ્થળ બોર્ડરની નજીક છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે કે આ હેરોઈનની ખેપ અહીં સુધી કેવી રીતે પહોંચી? શું આ ખેપ ડ્રોન દ્વારા પાકિસ્તાનમાંથી ફેંકવામાં આવી હતી*, કે પછી કોઈ વ્યક્તિ ખેપ લઈને ભારતીય સીમા પાર કરીને આવ્યો હતો?
સુરક્ષા દળો અને પોલીસની સંયુક્ત ટીમે સવારે રૂટીન સર્ચ ઓપરેશન દરમ્યાન ખેતરોમાંથી દસ પેકેટ્સ જપ્ત કર્યા હતા. જેમાંથી બે પેકેટ્સ સ્થાનિક ખેડૂત જોગીંદ્રલાલ અને હજૂરસિંહના ખેતરમાંથી મળ્યા હતા. દરેક મોટા પેકેટમાં પાંચ નાના પેકેટ્સ હતાં, જેમાં હેરોઈન ભરેલી હતી.
હાલમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ખેપ ડ્રોન મારફતે પાકિસ્તાન તરફથી કરવામાં આવી હશે. જોકે હજી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તપાસ એજન્સીઓ આ સમગ્ર મામલાની ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.
સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે જો આ ડ્રોન દ્વારા કરવામાં આવ્યું હોય તો તે સીમા સુરક્ષામાં મોટી ચિંતાનો મુદ્દો બની શકે છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે પણ તપાસ ચાલી રહી છે કે ક્યાંક અંદરથી સહકાર કે સંપર્ક તો નહોતો? સીમા સુરક્ષા દળ (BSF) અને પોલીસએ વિસ્તારમાં સઘન તલાશી અભિયાન શરૂ કર્યું છે અને આસપાસના ગામોમાં નિરીક્ષણ તથા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને.


