યુપીના શ્રાવસ્તીમાં એક જ પરિવારના પાંચ સભ્યોના શંકાસ્પદ હાલતમાં મોત
શ્રાવસ્તીઃ ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લાના ઇકૌના થાનાક્ષેત્રના કૈલાશપુર ગામના લિયાકતપુરવામાં રાતે એક જ પરિવારના પાંચ સભ્યોના મોતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘટના બાદ સમગ્ર ગામમાં શોક અને સન્નાટો છવાઈ ગયો છે. પોલીસ અને ફોરેન્સિક ટીમે સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. મૃતકોમાં લિયાકતપુરવાના રહેવાસી રોઝ અલી (ઉ.વ 35), તેમની પત્ની શેહનાઝ (ઉ.વ 32), પુત્રી તબસ્સુમ (ઉ.વ 6), પુત્રી ગુલનાઝ (ઉ.વ 4) અને 18 મહિનાનો પુત્ર મુઈનનો સમાવેશ થાય છે. રાત્રે રોઝ અલીનો મૃતદેહ છતના પંખાથી ફાંસે લટકતો મળ્યો હતો, જ્યારે પત્ની અને ત્રણેય બાળકોનો મૃતદેહ રૂમની અંદર પથારી પર પડેલો જોવા મળ્યો હતો.
ગુરુવારે રાતથી સવાર સુધી રૂમનો દરવાજો ન ખૂલતા પરિવારજનોને આશંકા થઈ હતી. ઘરમાં બારીના મારફતે જોતા પરિવારજનો પણ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ પડોશીઓની મદદથી દરવાજો ખોલતા પરિવારના તમામ સભ્યોના મૃતદેહો મળ્યા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.


