 
                                    સરકારો નિયમો બનાવે છે પરંતુ યોગ્ય અમલ કરતી નથી, અને કોર્ટના આદેશોને લઈને બેદરકાર છેઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં રખડતા કૂતરાઓ મામલે થયેલી અરજીની સુનાવણીમાં રાજ્યોના મુખ્ય સચિવોને વર્ચ્યુઅલ રીતે હાજર રહેવાની માંગણી કરતી અરજી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કરી હતી. જો કે, આ મામલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરીને અરજી ફગાવતા ટકોર કરી હતી કે, કોર્ટના આદેશોનો યોગ્ય આદર કરવામાં આવતો જ નથી. મુખ્ય સચિવોએ 3 નવેમ્બરના રોજ કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર થવું ફરજિયાત રહેશે.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠએ આ અરજીને નામંજૂર કરતાં જણાવ્યું કે, “કોર્ટના આદેશોનો યોગ્ય આદર કરવામાં આવતો નથી, તેથી હવે રાજ્યોના મુખ્ય સચિવોએ સ્વયં હાજર રહીને જવાબ આપવો પડશે.” 22 ઑગસ્ટના સુપ્રીમ કોર્ટના આદેશ છતાં, રાજ્યો દ્વારા પ્રાણી જન્મ નિયંત્રણ નિયમો હેઠળ હાથ ધરાયેલા પગલાં અંગેનું સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું નહોતું. જસ્ટિસ વિક્રમ નાથએ ટકોર કરતાં કહ્યું કે, “સરકારો નિયમો બનાવે છે પરંતુ તેનો અમલ કરતી નથી, અને કોર્ટના આદેશોને લઈને બેદરકાર છે.”
આ પહેલાં બિહાર સરકારે રાજ્યમાં 6 અને 11 નવેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણીઓનું કારણ આપીને મુખ્ય સચિવને કોર્ટમાં હાજર થવાથી મુક્તિ આપવા વિનંતી કરી હતી. કોર્ટએ આ વિનંતી ફગાવી હતી અને કહ્યું કે, “ચૂંટણીઓની સંભાળ માટે ચૂંટણી આયોગ છે, ચિંતા કરવાની જરૂર નથી. મુખ્ય સચિવને કોર્ટમાં આવવા દો.”
કોર્ટએ 27 ઑક્ટોબરે પણ રાજ્યોની ટીકા કરતાં જણાવ્યું હતું કે, રખડતા કૂતરાઓની વધતી ઘટનાઓ ભારતની આંતરરાષ્ટ્રીય છબીને નુકસાન પહોંચાડી રહી છે. કોર્ટએ પશ્ચિમ બંગાળ અને તેલંગાણાને બાદ કરતાં બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને 3 નવેમ્બરે કોર્ટમાં હાજર થવા અને એફિડેવીટ દાખલ કરવામાં થયેલા વિલંબ અંગે સ્પષ્ટીકરણ આપવા આદેશ આપ્યો હતો.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

