
ગાંધીનગરઃ રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO)એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN)ના સહયોગથી IITGN કેમ્પસ ખાતે “હેક ધ ફ્યુચર” નામનું તેનું 36 કલાકનું હેકાથોન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
આ કાર્યક્રમમાં ભારતભરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી 18 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં IIT, NIT, IIIT વગેરેનો સમાવેશ થાય છે. સહભાગીઓએ મંત્રાલય અને સંસ્થાના માર્ગદર્શકો દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન સાથે તેમને રજૂ કરાયેલા ત્રણ નવીન પડકારોનો સામનો કર્યો હતો. ઉદ્યોગ, શિક્ષણ અને મંત્રાલયના નિષ્ણાતોનો સમાવેશ કરતી પાંચ જ્યુરી સભ્યોએ અંતિમ ઉકેલોનું મૂલ્યાંકન કર્યું હતું.
સમાપન સત્રમાં MoSPIના સચિવ અને NSOના વડા ડૉ. સૌરભ ગર્ગ, NSO ઇન્ડિયાના ડિરેક્ટર જનરલ પી.આર. મેશ્રામ અને IIT ગાંધીનગરના ડિરેક્ટર ડૉ. રજત મૂના ઉપસ્થિત રહ્યા હતા.
પોતાના સંબોધનમાં પી.આર. મેશ્રામએ બધા સહભાગીઓને અભિનંદન આપ્યા હતા અને ભાર મૂક્યો કે, હેકાથોન મંત્રાલયની ચાલી રહેલી આધુનિકીકરણ પહેલનું વિસ્તરણ છે. ડૉ. મૂનાએ સહભાગીઓને MoSPI દ્વારા ઉપલબ્ધ કરાયેલા વ્યાપક ડેટાસેટ્સનો ઉપયોગ કરીને હેકાથોનથી આગળ ડેટા સાયન્સ અને આંકડાશાસ્ત્રમાં તેમનું કાર્ય ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે મંત્રાલયની નવીન પહેલો માટે પણ પ્રશંસા કરી હતી.
ડૉ. ગર્ગે રાષ્ટ્રવ્યાપી ભાગીદારી પર સંતોષ વ્યક્ત કર્યો અને તમામ ફાઇનલિસ્ટ ટીમોને અભિનંદન આપ્યા હતા. તેમણે સહભાગીઓને રાષ્ટ્રનિર્માણના પ્રયાસોમાં યોગદાન આપવા માટે આ ક્ષેત્રમાં કામ કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ત્રણ શ્રેણીઓમાં ટોચના ત્રણ ઉકેલોને ઇનામ આપવામાં આવ્યા હતા. ચંદીગઢની પ્લાક્ષા યુનિવર્સિટીએ બે શ્રેણીઓમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. જ્યારે રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ ટેકનોલોજીએ બાકીની શ્રેણીમાં જીત મેળવી હતી. બીજા ક્રમે વિજેતાઓ IIT જમ્મુ, VIT વેલ્લોર અને NIT ગોવા હતા. જ્યારે NMIMS મુંબઈ, IIIT વડોદરા અને IIT ખડગપુરે તેમની સંબંધિત શ્રેણીઓમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
આ કાર્યક્રમ બહુ-હિતધારકોના સહયોગ દ્વારા નવીનતાને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખવાની સામૂહિક પ્રતિબદ્ધતા સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.