
નવી દિલ્હીઃ ભારતીય મહિલા કુસ્તીબાજોએ હંગેરીના બુડાપેસ્ટમાં પોલાક ઇમરે અને વર્ગા જાનોસ મેમોરિયલ ટુર્નામેન્ટમાં બે સુવર્ણ, એક રજત અને એક કાંસ્ય સહિત ચાર ચંદ્રકો જીત્યા છે. અંતિમ પંઘાલે 53 કિલોગ્રામ વજન ગ્રુપની ફાઇનલમાં રશિયાની નતાલિયા માલિશેવાને 7-4થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. મે મહિનામાં ઉલાનબટાર ઓપનમાં જીત મેળવ્યા બાદ આ વર્ષે આ તેનો બીજો આંતરરાષ્ટ્રીય સુવર્ણચંદ્રક છે.હર્ષિતાએ 72 કિલોગ્રામ વજનગ્રુપમાં ભારત માટે બીજો સુવર્ણ ચંદ્રક ગોલ્ડ મેડલ જીત્યો. તેણે ફાઇનલ રાઉન્ડમાં ચાર વખતની એશિયન ચેમ્પિયન કઝાકિસ્તાનની ઝામિલા બાકબર્ગેનોવાને 10-0થી હરાવી.દરમિયાન નેહા સાંગવાનને 57 કિલોગ્રામ વજનગ્રુપની ફાઇનલમાં અમેરિકાની ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન હેલેન મારોલિસ સામે હાર્યા બાદ રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો.
50 કિલોગ્રામ વજનગ્રુપમાં નીલમે બેલારુસિયન કુસ્તીબાજ ઝેનિયા સ્ટેન્કેવિચને હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો.જોકે, જયદીપ પુરુષોની 74 કિલોગ્રામ વજનગ્રુપમાં ક્વાર્ટર ફાઇનલથી આગળ વધવામાં નિષ્ફળ રહ્યો. ગઈકાલના ચંદ્રકોની સાથે બુડાપેસ્ટ મીટમાં ભારતે કુલ છ ચંદ્રકો જીત્યા છે. સ્પર્ધાના પહેલા દિવસે ભારતે બે ચંદ્રકો જીત્યા હતા જેમાં સુજીત કલકલે 65 કિલોગ્રામ પુરુષોની ફ્રીસ્ટાઈલમાં સુવર્ણ જ્યારે રાહુલે 57 કિલોગ્રામ વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.બુડાપેસ્ટમાં પોલાક ઇમ્રે અને વર્ગા જાનોસ મેમોરિયલ વર્ષની ચોથી અને છેલ્લી રેસલિંગ રેન્કિંગ શ્રેણી છે.