
નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમની બ્રાઝિલ યાત્રાથી પાછા ફરવાના છે. તેમની બ્રાઝિલની મુલાકાત ઘણી બાબતોમાં મહત્વપૂર્ણ છે. 15મી બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા ઉપરાંત કેન્દ્રીય મંત્રીની આ મુલાકાત ભારત અને બ્રાઝિલ વચ્ચે કૃષિ વેપાર, ટેકનોલોજી અને નવીનતાને મજબૂત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. બ્રાઝિલની મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ભારતમાં સોયાના ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. તેઓ ભારતીય ખેડૂતોને વૈશ્વિક તકનીકોના લાભો સક્ષમ બનાવીને અપગ્રેડ કરવાનો ઇરાદો ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, વિવિધ દેશોનાં સહિયારા પ્રયાસોથી વૈશ્વિક ખાદ્ય સુરક્ષા મજબૂત થશે.
બ્રાઝિલની મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહે મુખ્યત્વે ભારતના નાના ખેડૂતો સાથે સંબંધિત ચિંતાઓ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી નાના ખેડૂતોની સુરક્ષા અને સશક્તિકરણ નહીં થાય, ત્યાં સુધી વૈશ્વિક ખાદ્ય સુરક્ષાનું લક્ષ્ય અધૂરું રહેશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, ભારત સર્વસમાવેશક, સમાન અને સ્થાયી કૃષિ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. વસુધૈવ કુટુમ્બકમની ભાવનાનો પડઘો પાડતાં તેમણે કહ્યું હતું કે, ભારત હંમેશા તમામ દેશો સાથે વિશ્વાસ અને સહકારનાં સંદેશને અનુસરે છે. તેમણે કૃષિ ટેકનોલોજી, નવીનીકરણ, ક્ષમતા નિર્માણ અને વેપાર સુવિધામાં સહકાર વધારવા નું આહ્વાન કર્યું હતું, જેથી વિવિધ દેશોના ખેડૂતો અને કૃષિ ઉદ્યોગોને લાભ મળી શકે. બ્રિક્સ મંચ પર ભારતે કૃષિ ટેકનોલોજી હસ્તાંતરણ, સંશોધન, ખાદ્ય પ્રસંસ્કરણ અને વેપારમાં સહયોગને વધારે મજબૂત કરવા માટે અપીલ કરી હતી. ભારત તરફથી શ્રી ચૌહાણના સંબોધનમાં વૈશ્વિક ખાદ્ય સુરક્ષા, લઘુ ખેડૂતોનું સશક્તિકરણ, કૃષિ નવીનીકરણ અને ટેકનોલોજીકલ સહકાર તથા બ્રિક્સ દેશો સાથે ભાગીદારીને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
સંપૂર્ણપણે જોઈએ તો ચૌહાણની બ્રાઝિલની મુલાકાત એ માત્ર રાજદ્વારી જ નહીં, પણ ભારતીય કૃષિ માટે ટેકનોલોજીકલ નવીનતા, ઉત્પાદનમાં વધારો અને વૈશ્વિક ભાગીદારીની દિશામાં એક નક્કર પહેલ પણ છે, જેનો ખેડૂતોને સીધો લાભ મળી શકે છે. બ્રાઝિલિયામાં આયોજિત બ્રિક્સ કૃષિ મંત્રીઓની 15મી બેઠકમાં ભારતનાં કૃષિ મંત્રીઓ/વરિષ્ઠ અધિકારીઓ, યજમાન બ્રાઝિલ અને રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, યુએઇ, ઇથિયોપિયા, ઇન્ડોનેશિયા અને ઇરાન સહિત બ્રિક્સ સભ્ય દેશો ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકનો મુખ્ય વિષય “બ્રિક્સ દેશો વચ્ચે સહકાર, નવીનતા અને સમાન વેપાર મારફતે સર્વસમાવેશક અને સ્થાયી કૃષિને પ્રોત્સાહન” હતો.
બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં કૃષિ મંત્રીઓની 15મી બેઠકમાં સહભાગી થવા ઉપરાંત શ્રી ચૌહાણની મુલાકાતથી ભારત અને બ્રાઝિલ વચ્ચે કૃષિ ક્ષેત્રમાં સહકારને નવી દિશા મળશે એવી અપેક્ષા છે. આનાથી બંને દેશો વચ્ચે કૃષિ વેપારને વેગ મળશે. કેન્દ્રીય મંત્રીએ આબોહવાને અનુકૂળ સોયાબીનની જાતો, યાંત્રિકરણ, ચોક્કસાઈપૂર્વકની ખેતી અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ પર બ્રાઝિલ સાથે જ્ઞાન વહેંચવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે બ્રાઝિલના કૃષિ મોડેલ, યાંત્રિકરણ, સિંચાઈ અને સંશોધનમાંથી શીખવાની અને ભારતીય કૃષિમાં તેનો અમલ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી, જેથી ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડી શકાય.
આ બેઠકો દરમિયાન જૈવઇંધણ, જૈવ ઊર્જા, પુરવઠા શ્રુંખલાના સંકલન અને કૃષિ મશીનરીના ક્ષેત્રોમાં સહકાર પર ચર્ચા થઈ હતી, જે ભારતીય ખેડૂતોને વૈશ્વિક ટેકનોલોજી સુધી પહોંચવામાં સક્ષમ બનાવશે. બંને દેશોના સંયુક્ત પ્રયાસો વૈશ્વિક ખાદ્ય સુરક્ષાને પણ મજબૂત બનાવશે કારણ કે બ્રાઝિલે છેલ્લા 50 વર્ષમાં કૃષિ નિકાસમાં જબરદસ્ત વૃદ્ધિ હાંસલ કરી છે, જે ભારત માટે પણ પ્રેરણારૂપ છે.
શિવરાજસિંહ ચૌહાણે બ્રાઝિલના કૃષિ અને પશુધન મંત્રી કાર્લોસ હેનરિક બેક્વેટા ફેવેરો અને કૃષિ વિકાસ અને પરિવાર કૃષિ મંત્રી લુઇઝ પાઉલો તેક્ષેઇરા સાથે દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી. આ બેઠકો દરમિયાન કૃષિ, કૃષિ-ટેકનોલોજી, ગ્રામીણ વિકાસ અને ખાદ્ય સુરક્ષાનાં ક્ષેત્રોમાં સહકાર વધારવાનાં મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. કેન્દ્રીય પ્રધાન સાઓ પાઉલો ખાતે બ્રાઝિલના કૃષિ વ્યવસાય સમુદાયના ૨૭ સભ્યોને પણ મળ્યા હતા. આ બેઠક દરમિયાન કૃષિ વેપાર, ઉત્પાદન ટેકનોલોજી, ફૂડ પ્રોસેસિંગ, જૈવઇંધણ, ટેકનોલોજીકલ ઇનોવેશન અને સપ્લાય ચેઇન ઇન્ટિગ્રેશન પર સહકારની સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી ચૌહાણે બ્રાઝિલમાં સોયાબીન ઉત્પાદન પ્લાન્ટ, ટામેટાંના ફાર્મ અને અન્ય સંસ્થાઓની મુલાકાત લીધી હતી તથા મિકેનાઇઝેશન, સિંચાઈ અને ફૂડ પ્રોસેસિંગ સાથે સંબંધિત અત્યાધુનિક ટેકનોલોજીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. હાલમાં ભારત સોયાબીન તેલની આયાત કરે છે, પરંતુ હવે બંને દેશો સંયુક્તપણે સોયાબીનના ઉત્પાદન અને પ્રોસેસિંગ માટે ટેકનોલોજી અને પ્લાન્ટ સ્થાપવા અને રોકાણ કરવાની શક્યતાઓ શોધી રહ્યા છે. આનાથી ભારતમાં સોયાબીનના ઉત્પાદન અને નિકાસને વેગ મળી શકે છે. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે, ભારતમાં સોયાબીનનું ઉત્પાદન અને પ્રોસેસિંગ વધારવા માટે બ્રાઝિલ સાથે સંયુક્તપણે કામ કરવાની યોજના છે. આ ઉપરાંત, મિકેનાઇઝેશન અને બીજ સંશોધનમાં બંને દેશો વચ્ચે સહકારની સંભાવનાઓ પણ શોધવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણની દરરોજ એક છોડ વાવવાની દિનચર્યા બ્રાઝિલમાં પણ ચાલુ રહી હતી. તેમણે ‘એક પેડ મા કે નામ’ પહેલ હેઠળ બ્રાઝિલિયામાં ભારતીય દૂતાવાસમાં વૃક્ષારોપણની ઝુંબેશમાં ભાગ લીધો હતો, જેમાં પર્યાવરણીય સંરક્ષણ અને માતૃત્વ પ્રત્યે આદરને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. શિવરાજ સિંહ બ્રાઝિલમાં સાઓ પાઉલોમાં પ્રવાસી ભારતીયોને પણ મળ્યા હતા અને દ્વિપક્ષીય સંબંધોમાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આપણી આઝાદીની અમૃત કાલ છે. 2047માં આપણે આઝાદીના 100 વર્ષ પૂરા કરીશું અને ત્યાં સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું અમારું લક્ષ્ય છે.
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહે કહ્યું હતું કે, “બ્રાઝિલમાં મારા રોકાણ દરમિયાન, મને વિવિધ અનુભવો અને તકનીકોથી મારી જાતને સમૃદ્ધ કરવાની તકો મળી છે. અમે ભારતમાં ઉત્પાદન વધારવા માટે આ તકનીકોનો ઉપયોગ કરીશું. મને વિશ્વાસ છે કે ભારત અને બ્રાઝિલ વચ્ચે પરસ્પર સહયોગ આપણા ખેડૂતોને સશક્ત બનાવશે અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષાને નવી દિશા આપશે.” સિંહે ઉમેર્યું હતું કે, આ મુલાકાત ભારત-બ્રાઝિલ વચ્ચે કૃષિ સહકાર, બ્રિક્સ દેશો સાથે ભાગીદારી અને ભારતીય કૃષિમાં નવીનતા અને સ્થાયી વૃદ્ધિને વેગ આપવા તરફનું મહત્ત્વપૂર્ણ પગલું છે.