1. Home
  2. ગુજરાતી
  3. કર્પૂરી ઠાકુરે ક્યારેય વંશવાદી રાજકારણને પ્રોત્સાહન આપ્યું ન હતું: ઉપરાષ્ટ્રપતિ
કર્પૂરી ઠાકુરે ક્યારેય વંશવાદી રાજકારણને પ્રોત્સાહન આપ્યું ન હતું: ઉપરાષ્ટ્રપતિ

કર્પૂરી ઠાકુરે ક્યારેય વંશવાદી રાજકારણને પ્રોત્સાહન આપ્યું ન હતું: ઉપરાષ્ટ્રપતિ

0
Social Share

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આજે જણાવ્યું હતું કે શ્રી કર્પૂરી ઠાકુર સામાજિક ન્યાયના મસીહા હતા અને તેમણે અનામત લાગુ કરાવ્યું કે જેનાથી મોટી સંખ્યામાં લોકો માટે વિશાળ તકો ખુલી હતી. બિહારના સમસ્તીપુરમાં કર્પૂરી ઠાકુરની 101મી જન્મ જયંતિ પર આયોજિત સ્મારક કાર્યક્રમને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, “ભારતના મહાન સપૂત કર્પૂરી ઠાકુર સામાજિક ન્યાયના મસીહા છે.  કર્પૂરી ઠાકુરે ઘણાં જ ઓછા સમયમાં સામાજિક અને રાજકીય પરિવર્તનનો નવો ઇતિહાસ લખ્યો હતો. તેમણે સદીઓ જૂની જડતાને તોડી નાખી અને એક વિશાળ જનસંખ્યા માટે અપાર સંભાવનાઓના દ્વાર ખોલ્યા હતા. તેઓ એવા મહાન માણસ હતા જેમણે સમાનતાના નવા યુગની શરૂઆત કરી હતી. તેમણે પોતાનું જીવન સમાજના હાંસિયા પર રહેલા લોકોને સમર્પિત કરી દીધું, જેમની અવગણના બધાંએ કરી હતી.”
ઉપરાષ્ટ્રપતિએ કર્પૂરી ઠાકુરના અનુકરણીય ચરિત્ર પર પ્રકાશ પાડતા વધુમાં જણાવ્યું હતું કે, “આદર્શ વ્યક્તિત્વ શું છે તે સમજવા માટે આપણે કર્પૂરી ઠાકુરના જીવન તરફ જોવું જોઈએ. તેમનું બલિદાન, તેમનું સમર્પણ અને કેવી રીતે તેમણે ક્યારેય રાજવંશીય રાજકારણને પ્રોત્સાહન આપ્યું નથી. તેઓ એક રાષ્ટ્રીય નેતા હતા, જેઓ જાતિ, ધર્મ અને વર્ગથી ઉપર ઉઠીને સમાનતા પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા અને વિકાસને પ્રોત્સાહન આપતા હતા. ભારત રત્ન કર્પૂરી ઠાકુરે સામાજિક ન્યાયને આગળ વધારીને દેશ પર એક અલગ છાપ છોડી હતી. મુશ્કેલ અને પડકારજનક વાતાવરણમાં તેમણે કોલેજનું શિક્ષણ પૂરું કર્યું. એક એવી વ્યક્તિ જેમણે ક્યારેય કોઈ સંપત્તિ એકઠી કરી નથી અને પોતાનું આખું જીવન લોકોને સમર્પિત કરી દીધું છે.”

શ્રી કર્પૂરી ઠાકુરની દૂરંદેશીપણા પર પ્રકાશ પાડતા શ્રી ધનખરે કહ્યું હતું કે, “કર્પૂરી ઠાકુર ‘સ્ટેટ્સમેન’ હતા. તેમણે વર્તમાન અને ભવિષ્ય બંને વિશે વિચાર્યું. તેમણે વિરોધની પરવા કર્યા વિના અનામતનો અમલ કર્યો. આ એક નવું પ્રકરણ હતું. માનનીય કૃષિપ્રધાને ઉલ્લેખ કર્યો તે મુજબ, તેમણે અંગ્રેજીની અનિવાર્યતાને સમાપ્ત કરી અને સરકારી કચેરીઓમાં હિન્દીના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું. તેના માટે તેમને ઉપહાસનો સામનો કરવો પડ્યો હતો. હવે આપણને સમજાય છે કે તેઓ કેટલા દૂરદર્શી હતા. તેઓ દેશના પ્રથમ એવા મુખ્યમંત્રી હતા જેમણે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને રાજ્યમાં મેટ્રિક સુધીના શાળાકીય શિક્ષણને મફત બનાવનારા તેઓ પ્રથમ મુખ્યમંત્રી હતા.”

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code