
ત્રિશૂરઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના કાફલાને રોકવા બદલ એક યુટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મન્નુથી પોલીસે આ ઘટનાના સંદર્ભમાં એલાનાડુના રહેવાસી અનીશ અબ્રાહમની અટકાયત કરી હતી અને બાદમાં તેને પોલીસ સ્ટેશનમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. તેની કાર પણ જપ્ત કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે રાત્રે ૯.૩૦ વાગ્યાની આસપાસ મન્નુથી બાયપાસ જંકશન પર બની હતી જ્યારે પ્રિયંકા પોતાના મતવિસ્તાર અને મલપ્પુરમ જિલ્લામાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ વાંડૂર, મલપ્પુરમથી કોચી એરપોર્ટ જઈ રહી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વાયનાડ સાંસદની સુરક્ષામાં સામેલ વાહનના હોર્નથી નારાજ થઈને આરોપીએ કથિત રીતે કાફલાની સામે પોતાની કાર રોકી દીધી હતી.
જ્યારે મન્નુથીના સબ-ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળની પોલીસ ટીમે નાકાબંધી હટાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમની સાથે ઝપાઝપી થઈ હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાફલામાં જાણી જોઈને ઘૂસવા, લોકોના જીવ જોખમમાં નાખવા અને પોલીસ સૂચનાઓનું પાલન ન કરવા બદલ કેસ નોંધ્યો છે.