મહારાષ્ટ્ર સરકારનો બાંગ્લાદેશી ઘૂસણખોરો પર કડક નિયંત્રણ માટે બ્લેક લિસ્ટ અને રેશન કાર્ડ ચકાસણીના આદેશ
મુંબઈ : મહારાષ્ટ્રમાં પ્રવેશતા બાંગ્લાદેશી ઘૂસણખોરો પર લગામ લગાવવા માટે રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. સરકારે બાંગ્લાદેશી નાગરિકોનું બ્લેક લિસ્ટ તૈયાર કરવા અને રેશન કાર્ડનું કડક વેરીફિકેશન કરવા માટે સૂચના જારી કરી છે. આ ઉપરાંત નવા રેશન કાર્ડ માટે પણ નવા માર્ગદર્શકો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં ગેરકાયદે રીતે આવેલા બાંગ્લાદેશી પ્રવાસીઓની વધતી સંખ્યા અને સુરક્ષા પર પડતી અસરને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.
સરકારના તાજેતરના આદેશ મુજબ, ગેરકાયદે બાંગ્લાદેશીઓ મુદ્દે આંતરિક ચર્ચા સત્રો યોજવા અને એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ને સંબંધિત ઉપાયો અંગે રિપોર્ટ મોકલવા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગેરકાયદે બાંગ્લાદેશીઓનું લિસ્ટ તૈયાર કરવા, જેથી તેમને સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ ન મળે, એ દિશામાં પણ સૂચના અપાઈ છે. એટીએસ તરફથી મળેલી માહિતી મુજબ 1,274 બાંગ્લાદેશી નાગરિકો સામે કેસ નોંધાયો છે. સરકારે વિભાગોને આ યાદી ચકાસવા આદેશ આપ્યો છે કે, આ વ્યક્તિઓના નામે કોઈ સરકારી દસ્તાવેજો જેમ કે રેશન કાર્ડ કે ઓળખપત્ર જારી થયા છે કે નહીં. જો આવા દસ્તાવેજો મળી આવે, તો તાત્કાલિક રીતે તેને રદ, સસ્પેન્ડ કે નિષ્ક્રિય કરવા માટે કાર્યવાહી કરવાની ફરજ પાડવામાં આવી છે.
સરકારે કહ્યું છે કે પકડાયેલા બાંગ્લાદેશીઓની યાદી તૈયાર કરી તેને વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે, જેથી પ્રાદેશિક અને વિભાગીય કચેરીઓ સાવચેતીપૂર્વક કામ કરી શકે. સ્થાનિક પ્રતિનિધિની ભલામણ પરથી રેશન કાર્ડ જારી કરવામાં આવે, ત્યારે આવેદક દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો અને રહેઠાણની કડક ચકાસણી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. આ બધા આદેશોનું સખત અમલીકરણ સુનિશ્ચિત કરવામાં આવશે અને ત્રિમાસિક અહેવાલ સરકારને રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.


