થરાદ, 15 ફેબ્રુઆરી-2026: જિલ્લાના લાખણી તાલુકાના અંતરિયાળ એવા જસરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ અશ્વસ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 500થી વધુ અશ્વો સાથે સવારોએ ભાગ લીધો હતો. અશ્વમેળામાં 1 કરોડથી લઈને 15 કરોડ સુધીની કિંમત ધરાવતા મારવાડી તેમજ અન્ય પ્રજાતિના અશ્વોએ અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું.
લાખણી તાલુકાનું નાનકડું જસરા ગામ અત્યારે જાણે અશ્વ સંસ્કૃતિના ધબકારા અનુભવી રહ્યું છે. કારણ કે બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે 15મા ભવ્ય અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 2012માં નાનકડા પાયે શરૂ થયેલો આ મેળો આજે ગુજરાતનો સૌથી મોટો અશ્વ મેળો બની વિરાટ સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે અને સૌ કોઈનું આકર્ષણ ખેંચી રહ્યો છે. મેળામાં દેશભરના અશ્વપ્રેમીઓ 500થી વધુ ઉચ્ચ નસ્લના અશ્વોને લઈને પહોંચ્યા હતા. મેળામાં 1 કરોડથી લઈને 15 કરોડ સુધીની કિંમત ધરાવતા મારવાડી તેમજ અન્ય પ્રજાતિના અશ્વોએ આકર્ષણ જમાવ્યું હતું. 4 જિલ્લાની પોલીસના અશ્વોએ પણ ટેન્ટ પેગિંગ અને જમ્પિંગ જેવી સ્પર્ધાઓમાં પોતાનું કૌશલ્ય પ્રદર્શન કર્યું હતું. અશ્વમેળાની સાથે યોજાયેલા પશુ પ્રદર્શનમાં કોટડાનો ‘સમ્રાટ’ પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગોલુ-2 બુલના સીમનથી તૈયાર થયેલા આ પાડા માટે ગયા વર્ષે પંજાબના એક વેપારીએ 1.11 કરોડની ઓફર આપી હતી, પરંતુ પશુપાલકે સ્થાનિક ઓલાદ સુધારવાના હેતુથી તેને વેચવાનો ઇન્કાર કર્યો હતો.
જસરા ગામે આયોજિત 15મા ભવ્ય અશ્વ મેળામાં રાજ્યના મંત્રી પ્રવીણ માળી અને દિયોદરના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ બુઢેશ્વર મહાદેવના મંદિરે ધજા ચડાવીને આ પાંચ દિવસીય મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહેશભાઈ દવેના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મેળામાં હજારોની જનમેદની ઉમટી પડી હતી. આ અશ્વ મેળાનું મુખ્ય આકર્ષણ જોખમી અને રોમાંચક કરતબો છે. ગુજરાત પોલીસનું અશ્વદળ હોય કે દેશભરમાંથી આવેલા 1000થી વધુ અશ્વસવારો, દરેક પોતાની કુશળતા આ મેળામાં બતાવી રહ્યા છે. 40 કિમીની એન્ડ્યુરન્સ રેસ, અશ્વ ટેન્ટ પેગિંગ અને જમ્પિંગ શો અતિ જોખમી પાટીદોડ અને બેરલ રેસ મારવાડી અને કાઠિયાવાડી નસલોનું પ્રદર્શન પણ સૌ કોઈને આકર્ષી રહ્યું છે.


