
- રેઈન વૉટર હાર્વેસ્ટિંગના વિકાસના કામ માટે રૂ.૫૦ લાખની જોગવાઈ
- જળસંચયના સૂચવાયેલા વિકાસ કાર્યોમાં એક કામ માટે રૂ.5 લાખની નાણાકીય મર્યાદા
- ધારાસભ્યોને વર્ષે રૂપિયા 2.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે
ગાંધીનગરઃ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં સામૂહિક વિકાસના મહત્વના નાના કામો માટે દરેક ધારાસભ્યને મતવિસ્તાર દીઠ ચોક્કસ વાર્ષિક રકમ ફાળવવાની યોજનામાં વર્ષ 2025-26થી વધારો કરીને રૂ.2.50 કરોડ કરવામાં આવ્યો છે. આ ગ્રાન્ટમાંથી જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યો કરવાની સૂચી તૈયાર કરવામાં આવી છે જેમાં “જળસંચય”ના કામો ઉમેરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જળ એ જ જીવનના સૂત્રના મહત્વને સમજીને “જળસંચય”ને પ્રાઘાન્ય આપ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં જિલ્લામાં જળસંચયને લગતા વિકાસ કાર્યો વધુ સારી રીતે થઈ શકે તેવા હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે હેઠળ ધારાસભ્યોને મતવિસ્તાર દીઠ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી જળસંગ્રહ ક્ષમતા વધારવાના અને “કેચ ધ રેઈન” દ્વારા ભૂગર્ભ જળસંગ્રહમાં વધારો થાય, રેઈન વૉટર હાર્વેસ્ટિંગ થાય તેવા સામુહિક વિકાસના કામો માટે રૂ. 50 લાખની લઘુત્તમ રકમ વપરાય તેવી જોગવાઈ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગામ તળાવો અને સીમ તળાવો ઊંડા અને છીદ્રાળુ કરવાની કામગીરીમાં લોકફાળા પેટે જરૂરી રકમ સામે ખૂટતી રકમ ધારાસભ્યશ્રીઓની ગ્રાન્ટમાંથી10 ટકાની મર્યાદામાં ફાળવી શકાશે. જળસંચયના સૂચવાયેલા વિકાસ કાર્યોમાં એક કામ માટે રૂ. 5 લાખની નાણાકીય મર્યાદા નક્કી કરવામાં આવી છે.
ધારાસભ્યો પોતાની ગ્રાન્ટમાંથી સૂચવી શકે તેવા વધારાના કામોની અદ્યતન સુચીમાં “જળસંચય”ના કામોની સૂચી તૈયાર કરવામાં આવી છે. જેમાં ગામના તળાવોને ઊંડા કરવાના તથા તળાવમાં પાણી ભરવા માટેના વોકળા, ગટર, નાળીયા ઊંડા ઉતારવાના અને સિંચાઈના કામ, ચેકડેમના કામ, સરકારી બિલ્ડીંગ ઉપર વરસાદી પાણીના સંગ્રહ માટે વોટર હાર્વેસ્ટીંગને લગતા કામ, ગામના પીવાના પાણીના કુવા ઊંડા ઉતારવા, બાંધવા તથા પાણીનો પીવા માટે ઉપયોગ કરવાલક્ષી સુધારણાના કામો કરવામાં આવશે.
આ ઉપરાંત કૂવા રીચાર્જીંગના કામ, દુષ્કાળ સમયે શરૂ થયેલ પીવાના પાણીના તળાવો સેઈફ સ્ટેજે લાવવા, પાણીની ટાંકીના નવા કામ, વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે વોટર રીચાર્જ સ્ટ્રક્ચરને લગતા કામ, ભૂગર્ભ જળસંગ્રહના સ્ટ્રક્ચરને લગતા કામો જેવા કે ભુગર્ભ ટાંકી અને તેને લગતી આનુષાંગીક કામ, WTP/STP ના રીપેરીંગ તેમજ તેને લગત આનુષાંગીક કામગીરી, સ્ટોર્મ વોટર ડ્રેઈનના કામ, તળાવના પાળાં અને વેસ્ટ વિયરના મજબુતીકરણના કામ, ચેકડેમ રીપેરીંગ, ચેકવોલ તથા નહેરોની મરામતની કામગીરીનો સૂચિમાં સમાવેશ કરાયો છે.