 
                                    - RTO, પોલીસ સહિત અધિકારીઓએ સ્થળ વિઝીટ બાદ ઓનલાઈન એન્ટ્રી કરવી પડશે,
- કેન્દ્ર સરકારના સોફ્ટવેરમાં વિતો આપવી પડશે,
- ગાંધીનગરમાં નવા નિયમોની અમલવારી શરૂ
ગાંધીનગરઃ દેશભરમાં રોડ અકસ્માતમાં રોજબરોજ ઘણા લોકો જીવ ગુમાવે છે. ગુજરાતમાં પણ જીવલેણ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે શહેરી વિસ્તારો અને હાઇવે પર થતા ફેટલ એટલે કે જીવલેણ અકસ્માતોની સમીક્ષા કરી તેને ઘટાડવાના પ્રયાસો કરી શકાય તે માટે સમગ્ર દેશમાં ફેટલ એક્સિડેન્ટ થાય કે તરત જ વિવિધ ઓથોરિટીના અધિકારીઓને તેની સ્થળ મુલાકાત લઇને પોતાના વિભાગને લગતી બાબતોની ઓનલાઇન એન્ટ્રી કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ સોફ્ટવેર પણ તૈયાર કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં પણ આ નવા નિયમોની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રોડ પર પૂરફાટ ઝડપે દોડતા વાહનોને કારણે અકસ્માતોના બનાવો બનતા હોય છે, ઘણા બનાવો ઓવરટેક કરવાને લીધે, દારૂ પીને વાહનો હંકારવાને લીધે એમ અકસ્માતના બનાવોમાં જુદા જુદા અનેક કારણો હોય છે. ત્યારે આવા બનાવોની સમીક્ષા કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યું છે. અને આરટીઓ, પોલીસ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ રોડ પર ફેટલ અકસ્માતોમાં ઘટના સ્થળની મુલાકાત લઈને વિગતો સોફ્ટવેરમાં અપલોડ કરવાની સુચના આપવામાં આવી છે.
ગાંધીનગરમાં પહોળા અને ખુલ્લા માર્ગો અને પ્રમાણમાં ઓછો ટ્રાફિક હોવાથી વાહનોની ગતિ વધારે હોય છે જેના કારણે અકસ્માતોનું પ્રમાણ વધારે રહે છે. છેલ્લા એક વર્ષમાં ગાંધીનગરમાં 1300થી વધુ અકસ્માતો સર્જાયા છે. આ સાથે શહેરમાંથી પસાર થતાં હાઇવે અને એપ્રોચ રોડ પર પણ અકસ્માતોનું પ્રમાણ વધારે છે. દેશભરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને તે માટે વિવિધ ઓથોરિટીને સક્રિય કરવા માટે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ દ્વારા નવા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. જે મુજબ હવેથી કોઇપણ ફેટલ અકસ્માત થાય તે સાથે કુલ ચાર ઓથોરિટી પોલીસ, આરટીઓ, માર્ગ અને મકાન વિભાગ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓને જોડાશે. પોલીસ ગુનો દાખલ કરીને તેની જાણ અન્ય ત્રણ ઓથોરિટીને જાણ કરશે. આ ચારેય વિભાગ પોતપોતાના ખાતાને લગતી વિગતોની ઓનલાઇન એન્ટ્રી કરશે. જે મુજબ પોલીસ સ્થળ- સ્થિતિ અકસ્માતની માહિતી આપશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા અકસ્માતના સ્થળે રોડની સ્થિતિ, વળાંક હતો કે નહીં, રોડ પર કોઇ ખામી કે ક્ષતિ હતી કે નહીં બાબતોની વિગતો અપલોડ કરશે. આરટીઓ દ્વારા વાહનને લગતી વિગતો, તેની ઝડપ, વાહનમાં કોઇ ખામી હતી કે નહીં તેમજ આરોગ્ય વિભાગ દ્વારા અકસ્માતના મૃતકોને તેમજ ઇજાગ્રસ્તોને અપાયેલી સારવાર, તેમની સ્થિતિ અને કેવી તથા કેવા પ્રકારની ઇજા હતી તેની વિગતો રજૂ કરવામાં આવશે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

