
- ડુંગળીના ભાવમાં ઘટાડાથી ખેડુતોની કફોડી હાલત
- ખેડુતો કહે છે, ડૂંગળી ભરવાના બારદાનનો ખર્ચ પણ નીકળતો નથી
- માવઠાની આગાહીને લીધે ડુંગળીની બંધ રાખવાનો નિર્ણય
ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં મહુવા અને તળાજા વિસ્તારમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર થાય છે. રાજ્યમાં પણ ડુંગળીના ઉત્પાદનમાં મહુવા તાલુકો પ્રથમક્રમે છે. હાલ લાલ અને સફેદ ડુંગળીના ભાવ ગગડી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. મહુવા માર્કેટ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસથી લાલ અને સફેદ બંને પ્રકારની ડુંગળી માત્ર 1થી 3 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. વર્તમાન ભાવ એટલા નીચા છે કે ખેડૂતોને ડુંગળી ભરવા માટેના બારદાનના ખર્ચ પણ નીકળતો નથી.
મહુવા માર્કેટ યાર્ડમાં ડુગળીના ભાવમાં અસામાન્ય ઘટાડો નોંધાયો છે.ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી ખર્ચ કરીને ડુંગળીનું વાવેતર કર્યું હતું. સામાન્ય રીતે જ્યારે પાક તૈયાર થાય છે ત્યારે ભાવ સારા રહે છે, પરંતુ આ વખતે માર્કેટમાં ડુંગળી આવતાં જ ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો સરકાર પાસેથી સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી લાલ અને સફેદ બંને પ્રકારની ડુંગળી માત્ર 1થી 3 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. વર્તમાન ભાવ એટલા નીચા છે કે ખેડૂતોને ડુંગળી ભરવા માટેના બારદાનના ખર્ચ પણ નીકળતો નથી.
મહુવા માર્કેટિંગ યાર્ડે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. યાર્ડે તારીખ 19 મે 2025 સુધી સફેદ ડુંગળીની આવક સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. માર્કેટિંગ યાર્ડે આ અંગે તમામ ખેડૂતો અને કમિશન એજન્ટોને લેખિતમાં જાણ કરી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી હોવાથી ડુંગળીને નુકસાન ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, યાર્ડ દ્વારા આવી સૂચનાઓ મોડી સાંજે જાહેર કરવામાં આવતી હોવાથી ઘણા ખેડૂતો તેનાથી અજાણ રહી જાય છે. આના કારણે ખેડૂતોને ડુંગળી લઈને યાર્ડ સુધી આવવું પડે છે અને પાછા ફરવું પડે છે. જો આવી સૂચનાઓ દિવસ દરમિયાન જાહેર કરવામાં આવે તો ખેડૂતોને સમયસર માહિતી મળી શકે અને તેમને અનાવશ્યક ધક્કા ખાવા ન પડે. એવુ ખેડુતો કહી રહ્યા છે.